આરે કોલોનીના વિવિધ વિસ્તારોમાં કચરાનું પ્રમાણ વધી જવાને કારણે અનેક સ્થળે જંગલી જનાવરોની આવનજાવન વધી ગઈ છે. અહીં સ્થાનિકોની સાથે પર્યટકો પણ કચરો કરતા હોવાનું જણાયું છે. આરેમાં આવા 56 સ્થળો છે જ્યાં મોટા પાયે કચરો જમા થાય છે. આને કારણે કચરાના ઢગલા હોય ત્યાં દીપડાની આવનજાવન વધી વધી જતી હોવાનું વન વિભાગનું કહેવું છે. આથી આરે પરિસરને કચરા મુક્ત કરવા શિવસેના પ્રમુખની જયંતિ નિમિત્તે આ કમગ્ર વિસ્તારને કચરા મુક્ત કરવાનો નિર્ધાર સ્થાનિક વિધાનસભ્ય રવિન્દ્ર વાયકરની ઉપસ્થિતિમાં આરેના રહેવાસીઓની સાથે સામાજિક સંસ્થાઓએ કર્યો હતો. આ પ્રસંગે સ્થાનિક જનતાને તેમના પરિસરને સ્વચ્છ રાખવાની અપીલ રવિન્દ્ર વાયકરે કરી હતી.
(પ્રતીકાત્મક તસવીર)
થાણે વન વિભાગ અંતર્ગત આવતા વન પરિસરના ગોરેગાવ વિસ્તારમાં આવેલા આરે કોલોની, દિંડોશી, બિંબીસાર સહિતના વિસ્તારોમાં છેલ્લા થોડા મહિનાઓથી દીપડાના હુમલાની ઘટનાઓ બની હતી. જે વિસ્તારમાં દીપડાએ હુમલા કર્યા હતા ત્યાં તપાસ કરતા અનેક વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. કચરાના ઢગલામાં ખાવાનું શોધવા આવતા કૂતરા, ડુક્કર, ગાય, ભેંસ જેવા જનાવરો અને મરઘાં-બતકા આવતા હોવાથી દીપડો શિકારની શોધમાં અહીં આવતા હોય છે. અહીં લોકો વસવાટ કરતા હોવાથી સ્થાનિક રહેવાસીઓ પર પણ દીપડો હુમલો કરતા હોય છે.
આરેના રહેવાસીઓ પર હુમલો કરવાની ચાર ઘટના બની હતી. દીપડાએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયા હતા તેમને થાણે વન વિભાગ દ્વારા આર્થિક સહાય પેટે 1.25 લાખ રૂપિયાના ચેક વિધાનસભ્ય રવિન્દ્ર વાયકરના હસ્તે વિતરિત કરાયા હતા.