દિલ ચાહતા હૈ અને જિંદગી ના મિલે દોબારા બાદ એક્સેલ એન્ટરટેઇન્મેન્ટની આગામી રોડ ટ્રિપ જૉનરની ફિલ્મમાં મહિલાઓ સફર પર નીકળશે. આ ત્રણ મહિલાઓ છે બૉલિવુડની ટોચની અભિનત્રીઓ પ્રિયંકા ચોપરા જોનાસ, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ. ફિલ્મનું નામ છે જી લે જરા. એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને બેબી ટાઇગર દ્વારા નિર્મિત અને ફરહાન અખ્તર દિગ્દર્શિત ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થશે.
જી લે જરા ફિલ્મનાં લેખક પણ ત્રણ છે – જોયા અખ્તર, ફરહાન અખ્તર અને રીમા કાગતી. જ્યારે નિર્માતા છે રીમા કાગતી, જોયા અખ્તર, રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર. 2011માં આવેલી ડૉન-2 બાદ ફરહાન અખ્તર ફરી દિગ્દર્શન પર હાથ અજમાવી રહ્યો છે. જી લે જરા 2023માં રિલીઝ થશે.
એક્સલ એન્ટરટેઇન્મેન્ટની સ્થાપના 1999માં રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે કરી હતી. તેમણે બનાવેલી ફિલ્મ દિલ ચાહતા હૈ અને રૉક ઑન જેવી પહેલી જ બે ફિલ્મોને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા. જ્યારે ગલી બૉય 92મા ઑસ્કાર અવૉર્ડમાં ભારતની અધિકૃત ફિલ્મ તરીકે મોકલવામાં આવી હતી.