પુષ્પા-2 વિશ્વભરમાં સાડાબાર હજાર કરતા વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એ બહુચર્ચિત ફિલ્મ પુષ્પા-2 : ધ રૂલના મુખ્ય પાત્રો પુષ્પરાજ (અલ્લુ અર્જુન) અને શ્રીવલ્લી (રશ્મિકા મંદાના) ફિલ્મના પ્રમોશન માટે મુંબઈ આવ્યાં હતાં. શુક્રવારે મુંબઈ સ્થિત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં બંને કલાકારોએ ફિલ્મ અંગેની મજેદાર વાતો જણાવી હતી. તો સાથે ફિલ્મનાં ગીતો પર ડાન્સ કરી ઉપસ્થિત પત્રકારોને ખુશ કરી દીધા હતા.
સ્ટેજ પર પહેલાં આવેલી રશ્મિકાએ જૂની યાદોને તાજા કરતા કહ્યું કે, ફિલ્મનો મારો પહેલું દૃશ્ય હતું જેમાં હું દૂધ વેચવાની સાથે પેપર ઝાટકી રહી છું. અને એ દિવસે જ મારે અલ્લુ અર્જુનને મળવાનું હતું. હું એટલી નર્વસ હતી કે હું શું રિએક્ટ કરીશ, કેવી વર્તણુંક કરીશ એ જાણતી નહોતી. પણ આજે અમે એક પરિવાર જેવા છીએ. રશ્મિકાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ હું શૂટિંગ માટે મુંબઈ આવતી ત્યારે બધાનો એક જ સવાલ રહેતો કે પુષ્પા 2 ક્યારે રિલીઝ થશે? આજે હવે બિન્ધાસ્ત કહી શકું છું કે 5 ડિસેમ્બરે ફિલ્મ થિયેટરમાં જોવા મળશે.
ફિલ્મના દિગ્દર્શક સુકુમારને જિનિયસ ગણાવ્યા હતા. ત્યારે રશ્મિકાને પૂછ્યું કે એ બધાની સામે કેમ નથી આવતા? ત્યારે અભિનેત્રીએ મજાકમાં કહ્યું કે આપણે તેમના અપહરણનો પ્લાન બનાવવો જોઇએ. અંતમાં રશ્મિકાએ કહ્યું કે અમારી પાંચ વરસની સફર પૂરી થવાને કારણે ઉદાસ હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થઈ રહી છે એનો રોમાંચ પણ છે.
તો સ્ટેજ પર આવેલા અલ્લુ અર્જુને મરાઠીમાં એના ચાહકોના હાલચાલ પૂછ્યા હતા. પહેલા તો અર્જુને તેમના ક્રૂ અને ટેક્નિકલ સ્ટાફનો આભાર માન્યો હતો. એ સાથે જણાવ્યું કે લૉકડાઉન સમયે ચારસો-પાંચસો લોકો સાથે કામ કરવું સરળ નહોતું. એ સાથે ફિલ્મના વિલન ફહાદ ફાજિલનો પણ આભાર માન્યો હતો. અર્જુને કહ્યું કે ફહાદ પોતે હીરો હોવા છતાં દિગ્દર્શક સુકુમાર માટે ફિલ્મ સ્વીકારી અને હીરો હોવા છતાં વિલનની ભૂમિકા ભજવી.
રશ્મિકા અંગે જણાવતા અલ્લુ અર્જુને કહ્યું કે, છેલ્લા ચાર વરસથી માત્ર એક જ હીરોઇન સાથે કામ કરી રહ્યો છું અને એ છે રશ્મિકા. હવે એ પરિવારના સભ્ય જેવી છે. તો ફિલ્મના દિગ્દર્શક સુકુમાર અને મારું શૂટિંગ સતત ચાલતું રહેતું. પરંતુ રશ્મિકાને જ્યારે કામ રહેતું ત્યારે આવતી અને એ પૂરૂં કરી પાછી જતી તો મને ખટકતું હતું. કારણ, એનર્જી એટલી પોઝિટિવ રહેતી કે એને કારણે સમગ્ર સેટ પર ઉત્સાહનું વાતાવરણ રહેતું.
અલ્લુ અર્જુને જણાવ્યું કે પુષ્પા-2 વિશ્વભરમાં સાડાબાર હજાર કરતા વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે. અને એનું કારણ છે દર્શકો, તેઓ સતત ત્રણ વરસથી ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
પુષ્પા-2 : ધ રૂલની વિશેષતાઓ
5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી પુષ્પા-2 હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલી અને બંગાળી ભાષામાં રિલીઝ થશે. આ પહેલી પૅન ઇન્ડિયા ફિલ્મ હશે જે બંગાળીમાં પણ રિલીઝ થઈ રહી છે. ફિલ્મને સ્ટાન્ડર્ડ, થ્રી-ડી, IMAX, 4DX, D-BOX ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવશે.
500 કરોડ રૂપિયાના મેગા બજેટવાળી પુષ્પા-2ના નિર્માતાઓએ ફિલ્મ માટે અલગ-અલગ ક્લાઇમેક્સ શૂટ કર્યા હતા. જેથી ફિલ્મ સાથે સંકળાયેલા કોઈ સ્પોઇલર લીક ન થાય. ફિલ્માવાયેલા ક્લાઇમેક્સમાંથી નિર્માતા ક્યું ફાઇનલ કરશે એની જાણકારી કોઈને નથી. એ સાથે નો ફોન પૉલિસી પણ રાખવામાં આવી હતી.
સેન્સર સર્ટિફિકેટ પર ફિલ્મનો રન ટાઇમ 3 કલાક 20 મિનિટ અને 38 સેકન્ડ (200.38 મિનિટ) દર્શાવ્યો છે. ફિલ્મના પહેલા પાર્ટ પુષ્પાનો રન ટાઇમ 2 કલાક 59 મિનિટનો હતો. એક વરસ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ બ્લૉકબસ્ટર એનિમલનો રનટાઇમ 203 મિનિટ હતો.. હવે જોવાનું એ છે કે પુષ્પા-2 આ બંને ફિલ્મોનો રેકૉરેડ તોડી શકે છે કે નહીં.