બૉક્સિંગની દુનિયાના દિગ્ગજ બૉક્સર જ્યોર્જ ફોરમેનનું શુક્રવારે નિધન થયું. તેઓ 76 વર્ષના હતા. તેમના નિધનને કારણે બૉક્સિંગની દુનિયામાં શોકની લાગણી ફેલાઈ છે. જ્યોર્જના પરિવારે તેમના અવસાનની જાણકારી આપવાની સાથે લખ્યું હતું કે, તેઓ એક શ્રદ્ધાળુ પ્રચારક, સમર્પિત પતિ, લાગણીશીલ પિતા, દાદા અને પરદાદા હતા. તેમનું જીવન અતૂટ વિશ્વાસ, વિનમ્રતા અને ઉદ્દેશથી પરિપૂર્ણ હતું.
પરિવારે વધુમાં જણાવ્યું કે, તેઓ માનવતાવાદી, ઓલિમ્પિયન અને બે વારના હેવીવેઇટ ચેમ્પિયન તરીકે લોકપ્રિય હતા. તેઓ શિસ્ત, દૃઢ સંકલ્પ અને તેમના વારસાનું જતન કરનાર વ્યક્તિ હતા. તેમણે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા હંમેશ સંઘર્ષ કર્યો હતો.
રિંગમાં બિગ જ્યોર્જ તરીકે મશહૂર ફોરમેને 1960ના દાયકામાં કરિયરની શરૂઆત કરી અને ઓલિમ્પિકમાં ગૉલ્ડ ઉપરાંત અનેક ટાઇટલ જીત્યા હતા. તેઓ બે વાર હેવીવેઇટ ચેમ્પિયન પણ બન્યા.ફોરમેને 1973માં પહેલીવાર વલ્ર્ડ ચેમ્પિયનશિપ જીત્યા હતા. તો 1994માં 45 વરસની ઉમરે બીજીવાર આ સિદ્ધિ હાંસલ કરી હતી. 1997માં તેમણે બૉક્સિંગથી સન્યાસ લીધો હતો.
જ્યોર્જ ફોરમેનનો જન્મ 10 જાન્યુઆરી, 1949માં ટેક્સાસ ખાતે થયો હતો. જ્યોર્જ ફોરમેન કુલ 81 મેચમાં રિંગમાં ઉતર્યા, જેમાંથી 76માં જીત્યા હતા. એમાંથી પણ 68 મેચ એવી હતી જેમાં તેઓ નૉકઆઉટથી જીત્યા હતા.
જ્યોર્જ ફોરમેન પહેલીવાર જૉ ફ્રેઝિયરને હરાવી વર્લ્ડ હેવીવેઇટનું ટાઇટલ પોતાના નામે કર્યું. જોકે રંબલ ઇન જંગલમાં જ્યોર્જનો મુકાબલો મોહમ્મદ અલી સાથે થયો પણ ખરાખરીની ફાઇટમાં હાર ખમવી પડી. મોહમ્મદ અલી સામે હાર્યા બાદ જ્યોર્જ થોડીઘણી મેચ રમ્યા અને અચાનક 28 વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી પાદરી બનવાની જાહેરાત કરી.
નિવૃત્તિ બાદ દસ વરસ રિંગથી દૂર રહેલા જ્યોર્જે ફરી રમતના મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી. રિંગમાં પાછા ફરેલા જ્યોર્જનો મુકાબલો માઇકલ મૂરર સાથે થયો. મૂરરને હરાવી જ્યોર્જ ફોરમેને બીજી વાર વિશ્વ ખિતાબ પોતાના નામે કર્યો. એ સમયે જ્યોર્જની ઉમર 46 વર્ષ હતી. આમ ફોરમેન બૉક્સિંગમાં વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી મોટી વયના ખેલાડી બન્યા. જ્યારે તેમના હરીફ માઇકલ મૂરર એ સમયે માત્ર 27 વર્ષનો હતો.
બૉક્સર તરીકેની બીજી ઇનિંગ બાદ અને બિઝનેસમેન તથા અભિનેતા બનવા પહેલા તેઓ માત્ર ચાર ફાઇટ લડ્યા હતા. જ્યોર્જ ફોરમેન દ્વારા નિર્મિત કૂકિંગ ગ્રીલ મશીન ઘણુ પૉપ્યુલર બન્યું અને એના 100 મિલિયન યુનિટ્સનું વેચાણ થયું. કૂકિંગ ગ્રીલના થયેલા જબ્બર વેચાણે કારણે ફોરમેનને તવંગર બનાવી દીધા.
ફોરમેનના પરિવારમાં પત્ની ઉપરાંત બાર બાળકો છે. ફોરમેને તેના પાંચ દીકરાઓનું નામ જ્યોર્જ રાખ્યું હતું. આનું કારણ આપતા તેમણે પોતાની વેબસાઇટ પર લખ્યું હતું કે, તમામ દીકરાનું નામ જ્યોર્જ એટલા માટે રાખ્યું કે તેઓ હળમળીને રહે.