કલા, સંસ્કૃતિ અને દેશના ભવ્ય વારસાના જતનની સાથે એના પ્રચાર-પ્રસારના ઉદ્દેશથી સ્થપાયેલી બિગ બિઝનેસ કાઉન્સિલ (બીબીસી) એના લક્ષ્યને હાસલ કરવા ધીરી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. તાજેતરમાં સંસ્થાના સ્થાપક હરેશ મહેતા અને ડૉ. અલકા વાલાવલકરે મુંબઈનાં અગ્રણી સમાજસેવિકા મંજુ મંગલ પ્રભાત લોઢાની નિયુક્તિ બીબીસીના કલા અને સંસ્કૃતિ વિભાગના મુખ્ય સલાહકાર તરીકે કરી.
શ્રીમતિ લોઢાના નિવાસસ્થાને યોજાયેલા એક ઔપચારિક સમારંભમાં બીબીસીના સ્થાપક સભ્યો હરેશ મહેતા અને ડૉ. અલકા વાલાવલકરે શ્રીમતિ મંજુ મંગલ પ્રભાત લોઢાને અધિકારિક નિયુક્તિ પત્ર આપ્યો હતો. આ અવસરે હરેશ મહેતાએ જણાવ્યું હતું કે, શ્રીમતિ લોઢાના મળેલા અમૂલ્ય સહકારની સાથે તેમના આ ક્ષેત્રના અનુભવ અને માર્ગદર્શનને કારણે બીબીસી દ્વારા શરૂ કરાયેલા કલા, સંસ્કૃતિ અને વારસાના જતન અને એના પ્રચાર-પ્રસારના અભિયાનને વેગ મળશે. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટેના અવિરત પ્રયાસોની સાથે તેમનાં સાહિત્ય અને કલા ક્ષેત્રે આપેલા વ્યાપક યોગદાનને ધ્યાનમાં રાખતા શ્રીમતિ લોઢા આ ભૂમિકા માટે સર્વથા યોગ્ય વ્યક્તિ છે.
આ અવસરે શ્રીમતિ લોઢાએ સંસ્થાનો આભાર માનતા કહ્યું કે, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેની જે જવાબદારી બીબીસી દ્વારા મને સોંપવામાં આવી છે એ નિભાવવા મટે હું ઘણી ઉત્સુક છું. એ સાથે મને આ સન્માન આપવા માટે બીબીસીના હરેશ મહેતા તથા ડૉ. અલકા વાલાવલકરની આભારી છું.
કાર્યક્રમના અંતમાં ડૉ. અલકા વાલાવલકરે જણાવ્યું કે, શ્રીમતિ લોઢાના માર્ગદર્શન હેઠળ કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ હાસલ થશે અને ભાવિ પેઢી પર એની સકારાત્મક અસર થશે.