વડોદરાના વિવિધ પિકનિક સ્થળોમાં કોટણા બીચ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. અમદાવાદથી સો કિલોમાટર અને વડોદરાથી માત્ર 24 કિલોમીટરના અંતરે આવેલો કોટણા બીચ એની સ્વચ્છતા અને નયનરમ્ય લોકાલ્સને કારણે લોકોમાં પ્રિય બનતો જાય છે. એ સાથે અહીં એડવેન્ચર સ્પોર્ટ્સ કાયાકિંગ ઉપરાંત પેડલ બૉટ અને સ્પીડ બૉટની પણ મોજ માણી શકાય છે. તો નાનામોટા અહીં ઊટ કે ઘોડેસવારીનો પણ આનંદ માણી શકે છે. કોટણા બીચ ગુજરાતનું એક માત્ર પિકનિક સ્થળ છે જ્યાં કાયાકિંગ એક્ટિવિટી થતી હોય.
શિયાળો હોય કે ઉનાળો, દરિયા કે નદીમાં નાહવાની મોજ કંઇક અલગ જ હોય છે. જો તમે પણ આવા કોઈ નજીકમા અને નવા સ્થળે જવા માંગતા હો તો કોટણા વન ડે પિકનિક માટે બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે. એટલું જ નહીં, હાલ જેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રી વેડિંગ શૂટ માટે પણ આ સ્થળ ઉત્તમ છે.
મહીસાગર નદી કિનારે આવેલું કોટણા બીચ વડોદરાથી 15 થી 20 કિમી દૂર આવેલું સુંદર સ્થળ છે. વડોદરામાં કોઇ દરિયા કિનારો ન હોવાથી મહીસાગર નદીના કિનારાને સહેલાણીઓએ કોટણા બીચ નામ આપી દીધું છે. આ સ્થળનું નામ કોટણા ગામ પરથી પડ્યું છે. ઉનાળા, ચોમાસામાં કોટણા બીચનો નજારો જોવા લાયક હોય છે. ચોમાસા દરમિયાન મહીસાગર નદીમાં ભરપૂર પાણી હોય છે. ઉપરાંત આસપાસના કુદરતી દ્રશ્ય જોઇ પ્રવાસીઓનું મન પ્રફુલ્લિત થઇ જાય છે.
કોટણા બીચ પર સહેલાણીઓ મહીસાગર નદીમાં બોટિંગની મજા માણે છે. કાયકિંગ થતું હોય તેવું એક માત્ર સ્થળ કોટણા બીચ છે. જો કે બોટિંગ દરમિયાન પ્રવાસીઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. તો કોટણા બીચ પર નદી કિનારે બેસી સૂર્યાસ્તનો નજારો જોવો પ્રવાસ દરમિયાન અદભુત યાદગાર બની રહે છે. કોટણા બીચ કુદરત પ્રેમીઓ માટે ખુબ જ સુંદર સ્થળ છે. પ્રિ- વેડિંગ શુ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.
કોટણા બીચ જેવું સુંદર ડેસ્ટિનેશન તરફ ફિલ્મના નિર્માતાઓનું ધ્યાન કેમ ન ગયું એની નવાઈ લાગે છે. જોકે ડિસેમ્બર મહિનામાં ગુજરાતી ફિલ્મ જેઠાલાલના ભવાડાનું રોમાન્ટિક સોંગ અહીં ફિલ્માવવામાં આવ્યું હતું. મહીસાગરના નિર્મળ જળમાં ફિલ્મના હીરો જસ્મીન અને અભિનેત્રી વિધિ શાહ કાયકિંગ, પેડલ બૉટ અને સ્પીડ બૉટની સાથે નદી કિનારે ગીત ગાતા જોવા મળશે. શક્ય છે કે જેઠાલાલના ભવાડા ફિલ્મના શૂટિંગ બાદ અહીં નિર્માતાઓની લાઇન લાગી શકે છે. શૂટિંગ માટે જનરેટર પણ ઉપલબ્ધ છે.
કોટણા બીચ પર ખાણીપીણીના પણ અનેક અસ્થાયી સ્ટૉલ લાગ્યા છે જ્યાં તમને વિવિધ પ્રકારની ખાણીપીણી તથા ચા-કૉફી, ઠંડા પીણાં સરળતાથી મળી રહે છે.