રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રામપર ખાતે એક નવું, આધુનિક વૃદ્ધાશ્રમ રાજકોટ-જામનગર હાઇવે પર 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમોમાંનું એ એક હશે. 30 એકરના ફેલાયેલા આશ્રમમાં અગિયાર માળના 7 ટાવર્સ હશે જેમાં 1400 રૂમો હશે. આશ્રમનો મુખ્ય હેતુ પાંચ હજાર જેટલા નિ:સહાય, બીમાર, અપંગ અને પથારીવશ વૃદ્ધોને આજીવન નિશુલ્ક આશ્રય અને સંભાળ પૂરી પાડવાનો છે.
આશ્રમમાં તમામ ધર્મ, જાતિ અને સમુદાયના વૃદ્ધોની દેખભાળ કરવામાં આવશે. વૃદ્ધાશ્રમમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે. જેમાં મંદિર, એક વિશાળ “અન્નપૂર્ણા”, વાચનાલય, કસરત અને યોગ માટેના હૉલ, દવાખાનું, કમ્યુનિટી હૉલ અને મનને શાંતિ અર્પતા બગીચાઓ. રાજકોટમાં 10 વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલી રહ્યું છે જેમાં 650 નિ:સહાય વૃદ્ધોની સંભાળ લેવામાં આવે છે, જેમાંથી 200 પૂર્ણપણે પથારીવશ છે.
આ મહાકાર્ય માટે મોરારી બાપુ દ્વારા 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 8 દિવસની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ વૃદ્ધો અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે અને તેમાં સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકીય હસ્તીઓ, દાનવીરો અને વિશ્વભરના સક્રિય કાર્યકરો સામેલ થશે.
હિંદુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય સંકલનકર્તા અને સદભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ વૃદ્ધોની સંભાળ માટે સમુદાયના સહકારની વધતી જતી જરૂરિયાતને અંગે જણાવતા કહ્યું કે, “આજે દુનિયામાં વરિષ્ઠ નાગરિકો પ્રત્યે યુવા પેઢીનું ધ્યાન ઓછું થઈ રહ્યું છે. આવા પ્રયાસોમાં સમુદાયની ભાગીદારી અત્યંત મહત્વની છે, જેથી નિસહાય વૃદ્ધો અને અનાથોને જરૂરી સહાય મળી રહે.”
માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મિતલ ખેતાણીએ જણાવ્યું કે, અમે 60 વર્ષથી વધુ વયના લોકોને સ્વાગત કરીએ છીએ, જે સામાજિક કે શારીરિક રીતે નબળા છે. સદભાવના આશ્રમ તેમને ઉત્તમ દરજ્જાની સારસંભાળ અને સુવિધાઓ પૂરી પાડશે. તેમણે કહ્યું કે અહીં ઘણા વૃદ્ધોને સાથીઓ મળતા હોવાથી તેઓ આનંદ અને શાંતિ અનુભવે છે. આ પ્રસંગે આયોજિત પત્રકાર પરિષદમાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં ભૂતપૂર્વ પ્રમુખ, બીએસઈ બોર્ડના પ્રથમ મહિલા નિયામક, ભૂતપૂર્વ ડિરેક્ટર શ્રીમતી દીના મહેતા અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય ડૉ. ગિરીશ શાહ સહિત અનેક શુભચિંતકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સદભાવના વૃદ્ધાશ્રમ હૉમ છેલ્લા આઠ વર્ષથી જેમની પાસે રહેવા માટે ઘર કે પરિવાર નથી એવા 650થી વધુ વૃદ્ધોને સંભાળ અને આશ્રય પૂરો પાડી રહી છે. આ સંસ્થા પર્યાવરણની જાળવણી માટે પણ સક્રિય છે અને ગુજરાતમાં 30 લાખથી વધુ વૃક્ષો રોપી ચૂક્યું છે. સંસ્થાનું લક્ષ્ય ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવવાનું છે. એ સાથે તેઓ 150 અપંગ અને અનાથ કૂતરાઓ માટે ડૉગ શેલ્ટર અને 1600 અનાથ ઢોર માટે એક અભયારણ્ય પણ ચલાવે છે. સંસ્થા મફત પશુ હોસ્પિટલ અને “ના લાભ, ના નુકશાન” ધોરણ પર કાર્યરત એક મેડિકલ સ્ટોર પણ ચલાવે છે.