મેયર કિશોરી પેડણેકરે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો
ઘાટકોપરમાં આવેલી રાજાવાડી હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં બે દિવસ પહેલા સારવાર માટે દાખલ કરવામા આવેલ ૨૪ વર્ષના યુવકને ઉંદર કરડ્યો હોવાની ફરિયાદ તેના સંબંધીઓએ કરી છે. આ બનાવ બાદ મેયર કિશોરી પેડણેકરે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં દાખલ થયેલા ૨૪ વર્ષના શ્રીનિવાસ યલ્લપા સાથે આ બનાવ બન્યો હતો. રાજાવાડી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા આઈસીયુમાં તેના પર સારવાર ચાલી રહી હતી. તેની તબિયત ગંભીર હતી અને તે બુશદ્ધ હાલતમાં હતો. ત્યારે જ ઉંદર તેની આંખ કરડી ગયો હોવાનો બનાવ બન્યો હતો.
શ્રીનિવાસના સંબંધીના ધ્યાનમાં તેની આંખ ઉંદર કરડી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી તેણે તુરંત ફરજ પર રહેલી નર્સને જણાવ્યું હતું પણ તેણે ફરિયાદ સાંભળી ન હોવાનો દાવો સંબંધીએ કર્યો હતો. ત્યારબાદ ડૉકટરને તેની જાણ કરવામાં આવી હતી. ત્યારે તેમણે ઉંદરે આંખ પાસે કરડી ગયો હોવાનું કહ્યું હતું. રાજાવાડીના ડીન ડૉ.વિદ્યા ઠાકુરે પણ દર્દીને ઉંદર કરડયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હોવાનું કહ્યું હતું. આ બનાવ બાદ મેયર કિશોરી પેડણેકરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દર્દીની પાંપણ અને આંખની આજુબાજુનો ભાગ ઉંદરે કરડી ખાધો હોવાની તેમણે કબૂલાત કરી હતી. તેમ જ આ બનાવની તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. સંબંધિત સામે આકરા પગલાં લેવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો.
આ બનાવ બાદ મુંબઈ મહાનગર પાલિકાની હોસ્પિટલના દર્દીની સુરક્ષા અને આરોગ્યને લઈ ફરી સવાલ નિર્માણ થયો છે.






