દૈનિક જીવનની ‘ઓફબીટ’ ફોટોગ્રાફીમાં ત્રીજું ઇનામ, ગુજરાતી ગૌરવ
સમાચાર માત્ર શબ્દોથી નહીં, પરંતુ તસવીરોની તાકાતથી પણ બોલે છે—આ સાબિત કરી બતાવ્યું છે પ્રતિભાશાળી ફોટોજર્નાલિસ્ટ વિરલ જોશીએ. મુંબઈ પ્રેસ ક્લબની 2026ની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં Daily Life (Offbeat Photographs) કેટેગરીમાં ત્રીજું ઇનામ જીતીને વિરલે કચ્છી અને ગુજરાતી સમુદાયનું ગૌરવ વધાર્યું છે. ખાસ વાત એ કે આ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ કચ્છી ફોટોજર્નાલિસ્ટ છે અને આ વર્ષના એકમાત્ર ગુજરાતી વિજેતા પણ!
પુરસ્કારની ગૌરવગાથા
મુંબઈ પ્રેસ ક્લબની આ સ્પર્ધા દેશભરના શ્રેષ્ઠ ફોટોગ્રાફરો માટે માપદંડ માનવામાં આવે છે. દૈનિક જીવનની અનોખી, અદેખી ક્ષણોને સંવેદનશીલ નજરે કેદ કરવાની વિરલની કળા જ્યુરીને સ્પર્શી ગઈ, અને ઇનામ તેમની કેમેરાની સચ્ચાઈને મળ્યું.
વ્યાવસાયિક સફર અને તાલીમ
2017થી જન્મભૂમિ ગ્રુપ ઑફ ન્યુઝ પેપર્સ સાથે સિનિયર ફોટોજર્નાલિસ્ટ તરીકે કાર્યરત વિરલ દૃશ્ય વાર્તાકથનમાં નિષ્ણાત છે. મુંબઈની પ્રતિષ્ઠિત શૅરી ઍકેમીમાંથી કૉમર્શિયલ ફોટોગ્રાફી અને ડિજિટલ ઇમેજિંગમાં માસ્ટર ક્રાફ્ટ્સમેન તાલીમ લઈને તેમણે ટેકનિકલ ચોકસાઈ અને કલાત્મક દૃષ્ટિને એકસાથે જોડ્યા છે.
સન્માન અને પ્રતિબદ્ધતા
કોરોના મહામારી દરમિયાન નિર્ભય અને અવિરત ફોટોજર્નાલિઝમ બદલ બૉમ્બે ન્યુઝ ફોટોગ્રાફર્સ અસોસિયેશન તરફથી બૉલિવુડના સ્ટાર આમિર ખાનના હસ્તે તેમનું સન્માન થયું, જે તેમની સામાજિક જવાબદારી અને પત્રકારિતાની નિષ્ઠાનું પ્રમાણ છે.
વિરલ જોષી માટે કેમેરો માત્ર સાધન નથી; તે સમાજની નાડી પર હાથ રાખતી આંખ છે અને એ આંખ આજે રાષ્ટ્રીય મંચ પર ઝળહળી છે.






