વાઘના મોત અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ સ્તરે પગલાં લેવામાં આવી રહ્યા છે.
અકસ્માત અને માનવ બેદરકારી પર સવાલ
રાજ્યમાં વાઘ સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઇગર જેવી મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું પૂરજોશમાં અમલમાં મૂકાઈ રહી ત્યારે વાઘોના વધતા અપમૃત્યુની ઘટના ચિંતા જગાવે તેવી છે. વનમંત્રી ગણેશ નાઈક દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલા લેખિત જવાબ મુજબ, વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં રાજ્યમાં વિવિધ કારણોસર કુલ ૪૧ વાઘના મોત નોંધાયા છે.
આ આંકડામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કુદરતી મૃત્યુ સિવાય પણ અનેક વાઘ માનવ સર્જિત કારણોના ભોગ બન્યા છે. માહિતી અનુસાર, ૮ વાઘ માર્ગ અને રેલ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૪ વાઘ વીજળીના કરંટ લાગવાથી મર્યા હતા. એટલું જ નહીં, એક વાઘ શિકારનો ભોગ બન્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, ૨૮ વાઘ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હોવાનું જણાવાયું છે.
વાઘના મોતને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ સ્તરે પગલાં લેવામાં આવી રહ્યા છે. જંગલી પ્રાણીઓના રેલ અકસ્માતો રોકવા માટે રેલ્વે લાઇન પર અંડરપાસ અને ઓવરપાસ બનાવવાની, તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેનની ગતિ ૪૦ કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રાખવાની સૂચના આપવામાં આવી છે.
શિકાર અટકાવવા માટે સ્પેશિયલ ટાઇગર પ્રોટેક્શન ફોર્સ દ્વારા નિયમિત પેટ્રોલિંગ, સેક્ટર સ્તરે બાતમીદારોની નિમણૂક અને અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં વાયરલેસ મેસેજિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. સાથે જ, ચેકપોઇન્ટ્સ પર વાહનોની તપાસ, પખવાડિયે વાઘ-દીપડાની ટ્રેકિંગ કામગીરી અને સ્થળાંતર માર્ગો પર કેમેરા ટ્રેપ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
વાઘ સંરક્ષણના પ્રયાસો વચ્ચે સામે આવેલી આ હકીકત એ સ્પષ્ટ કરે છે કે માત્ર યોજના નહીં, પરંતુ જમીન પર કડક અમલ અને માનવ બેદરકારી સામે સખ્ત વલણ સમયની માગ છે.






