પૂર્વ સાંસદ રાહુલ શેવાળે બન્યા પક્ષના મુખ્ય સચિવ, મહાનગરપાલિકા ચૂંટણીમાં ભજવશે મહત્વની ભૂમિકા
મુંબઈમાં જાહેર કરાયેલા અધિકૃત સૂચનાપત્ર મુજબ, શિંદે શિવસેનાની સંગઠનાત્મક જવાબદારી હવે રાહુલ શેવાળેને સોંપવામાં આવી છે. ગત લોકસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યો હોવા છતાં શેવાળે પર પક્ષે ફરી વિશ્વાસ મુક્યો છે. આવનારી મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણીમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની રહેશે.
ભાજપ સાથેની મહાયુતિની દરેક બેઠકમાં રાહુલ શેવાળે સક્રિય રીતે હાજર રહ્યા હતા. ખાસ કરીને ભાજપના મંત્રી અને વરિષ્ઠ નેતા આશિષ શેલાર સાથે બેઠકોની વહેંચણી અંગે થયેલી ચર્ચામાં તેમણે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હોવાનું જણાવાય છે.
આગામી દિવસોમાં મહાયુતિમાં બેઠકોની વહેંચણી અંતિમ થયા બાદ ઉમેદવારોની પસંદગીમાં પણ રાહુલ શેવાળે નિર્ણાયક ભૂમિકા ભજવશે. સંગઠન અને ચૂંટણી વ્યૂહરચનામાં તેમની નિયુક્તિ શિંદે શિવસેનાને નવી ગતિ આપશે, તેવી પક્ષમાં આશા વ્યક્ત થઈ રહી છે.






