આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓના પડઘમ વાગતા જ કોંગ્રેસ પાર્ટીએ પોતાની રણનીતિને વધુ ધાર આપી છે. રાજ્યની 29 મહાનગરપાલિકાઓમાં સશક્ત પ્રચાર માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. રિવ્યુ મિટિંગ અને વિગતવાર વ્યૂહરચના બાદ તૈયાર કરાયેલી આ યાદી દ્વારા કોંગ્રેસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સ્થાનિક ચૂંટણીમાં પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે મેદાને ઉતરશે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરના અનુભવી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્ટીના પ્રભારી રમેશ ચેન્નિથલા, પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ, વિધાનસભા દળના નેતા વિજય વડેટ્ટીવાર, સાંસદ છત્રપતિ શાહૂ મહારાજ, તેમજ મુકુલ વાસનિક, પૃથ્વીરાજ ચવ્હાણ અને સચિન પાયલટ જેવા દિગ્ગજ નેતાઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
આ સાથે તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડી, કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી, રાજ બબ્બર, પ્રણીતિ શિંદે, ઈમરાન પ્રતાપગઢી સહિત અનેક ચહેરાઓ કોંગ્રેસના પ્રચારને નવી ઊર્જા આપશે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, સ્ટાર પ્રચારકો સ્થાનિક મુદ્દાઓ, મોંઘવારી, શહેરી સુવિધાઓ અને લોકશાહી મૂલ્યોને કેન્દ્રમાં રાખી જનતા સુધી પહોંચશે. કોંગ્રેસે આ યાદી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીમાં મજબૂત પડકાર ફેંકવાની તૈયારી પૂર્ણ કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.





