મલાડના અગ્રણી વેપારીઓ, પત્રકારોની ઉપસ્થિતિમાં નતાશા ખખ્ખરે
શાલ અને બુકે આપી પ્રિયંકાની સિદ્ધિને બિરદાવી હતી.
અંડર-૪૭ કિલોગ્રામ જુનિયર મહિલા કેટેગરીમાં ઓવરઓલ ગોલ્ડ સહિત ત્રણ સુવર્ણ ચંદ્રકો જીત્યા, હવે નજર ઓલ-ઈન્ડિયા સ્પર્ધા પર
સપનાં જોવાં સહેલાં છે, પરંતુ એને સાકાર કરવા માટે મહેનત, સમર્પણ અને દૃઢ નિશ્ચય જોઈએ. પ્રિયંકા યોગેશભાઈ પારેખે કેનેડાના વિનીપેગમાં યોજાયેલી કોમનવેલ્થ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
પ્રિયંકા પારેખે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની તાકાતનો પરિચય આપતાં અંડર-૪૭ કિલોગ્રામ જુનિયર મહિલા કેટેગરીમાં ઓવરઓલ ગોલ્ડ મેડલ જીત્યો. આ ઉપરાંત સ્ક્વોટ અને ડેડલિફ્ટમાં સુવર્ણ ચંદ્રક, જ્યારે બેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી. ભારત માટે મેડલ જીતવાનું તેમનું સ્વપ્ન સાકાર થતાં આ સિદ્ધિ તેમની રમતગમતની સફરનું યાદગાર પ્રકરણ બની છે.

મલાડની ખ્યાતનામ જનતા વેફર્સની ચોથી પેઢી અને પોતાનું નવું સ્ટાર્ટ-અપ શરૂ કરનાર નતાશા ખખ્ખરે પ્રિયંકાની સિદ્ધિને બિરદાવવા એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મલાડના અગ્રણી વેપારીઓ, પત્રકારોની ઉપસ્થિતિમાં નતાશા ખખ્ખરે શાલ અને બુકે આપી પ્રિયંકાની સિદ્ધિને બિરદાવી હતી.
પ્રિયંકાએ KES કોલેજમાંથી બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સાથે બાંદ્રાની હિરાય કોલેજમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે અને સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. અભ્યાસ અને રમતગમત વચ્ચે સંતુલન જાળવીને તેમણે સફળતાનો માર્ગ કંડાર્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે આર્થિક સહાય પૂરી પાડવા બદલ પ્રિયંકાએ કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ, કપોળ સમાજના સભ્યો અને ગ્રીક સોફ્ટ ટેક્નોલોજીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પ્રિયંકાનું કહેવું છે કે તેમન સહાયોગના કારણે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન સાકાર કરી શકી.
ભારત પરત ફરતાં પરિવારજનો, મિત્રો અને સમાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉત્કર્ષ સ્કૂલ અને સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન તેમણે પોતાની સફરનાં અનુભવો પણ વહેંચ્યા હતા.
પ્રિયંકાનું આગામી લક્ષ્ય ઓલ-ઈન્ડિયા સ્તરે સ્પર્ધામાં ભાગ લઈ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાનો અને દેશ માટે વધુ મેડલ જીતવાનો છે. તેમની સફળતા યુવા પેઢીને સંદેશ આપે છે કે મહેનતને સંકલ્પનો સાથ મળે તો સપનાં પણ સિદ્ધિમાં પરિવર્તિત થાય છે.





