PILમાં એક મહત્વનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે… જો શાહરૂખ ખાન જાહેર રીતે કહે છે કે કોઈ લાંચ અપાઈ જ નથી, તો પછી લાંચ સ્વીકારવાના આરોપમાં સમીર વાનખેડે સામે કેસ કેવી રીતે થઈ શકે?
બોલિવૂડનો બાદશાહ શાહરુખ ખાન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે, જોકે આ વખતે ફિલ્મ માટે નહીં, પરંતુ એક જાહેર હિતની અરજી (PIL)ને લઈને. લાઇવ લૉ વેબસાઇટના જણાવ્યા મુજબ ₹50 લાખની કથિત લાંચના મામલે શાહરૂખ ખાન, તેમના પુત્ર આર્યન ખાન અને અન્ય સામે FIR નોંધવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે.
PIL શું કહે છે?
CRPIL (ST) No. 10580 of 2023 હેઠળ આ અરજી રશીદ ખાન પઠાણ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી સોમવારે માનનીય ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ થવાની છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ₹50 લાખની લાંચ લેવાના આરોપમાં પૂર્વ એનસીબી અધિકારી સમાર વાનખેડે સામે કાર્યવાહી થઈ, પરંતુ કથિત રીતે લાંચ આપનાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
વિસંગતિ પર ઉઠતા સવાલો
PILમાં એક મહત્વનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે… જો શાહરૂખ ખાન જાહેર રીતે કહે છે કે કોઈ લાંચ અપાઈ જ નથી, તો પછી લાંચ સ્વીકારવાના આરોપમાં સમીર વાનખેડે સામે કેસ કેવી રીતે થઈ શકે? અને જો તપાસ એજન્સીઓ માને છે કે લાંચ અપાઈ હતી, તો પછી લાંચ આપવાના ગુનામાં શાહરૂખ ખાન સામે કાર્યવાહી કેમ નહીં?
કાનૂની માંગ અને આગલા પગલાં
અરજીમાં શાહરૂખ ખાન, આર્યન ખાન, પૂજા દદલાની તેમજ એનસીબી અને સીબીઆઈના કેટલાક અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નિષ્પક્ષ અને કાયદેસર તપાસની પણ અપીલ કરવામાં આવી છે.
આ પીઆઈએલ માત્ર એક વ્યક્તિ કે પરિવાર પૂરતી સીમિત નથી, પરંતુ કાનૂની પ્રક્રિયામાં સમાનતા અને પારદર્શિતા પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. હવે સૌની નજર સોમવારની સુનાવણી પર છે.






