સુપ્રીમ કોર્ટે મંગળવારે જકાત નીતિ મામલે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાનની અરજી નકારી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની અરજી નકારતી કહ્યું હતું કે તમારા માટે દિલ્હી હાઇકોર્ટમાં જામીન અરજી સહિત અન્ય કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે. દિલ્હીમાં અમલમાં મુકાયેલી નવી જકાત નીતિ મામલે મુસીબતમાં મુકાયેલા મનીષ સિસોદિયાએ સીબીઆઈએ કરેલી ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને કોરાણે મુકી સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનું કારણ પૂછ્યું હતું જેનો જવાબ સિસોદિયાના વકીલો આપી શક્યા નહોતા. તાજેતરમાં કૉંગ્રેસના નેતા પવન ખેડાને સર્વોચ્ચ અદાલતે રાહત આપી હોવાનું ઉદાહરણ સિસોદિયાના વકીલોએ આપ્યુ હતું. ત્યારે કોર્ટે કહ્યુ કે મનીષ સિસોદિયાનો મામલો ભ્રષ્ટાચારનો છે.
સુપ્રીમ કોર્ટે અપીન કાઢી નાખતા હવે મનીષ સિસોદિયા દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરશે. જોકે આ તમામ પ્રક્રિયામાં કદાચ પાંચ દિવસની કસ્ટડીનો સમય પૂરો થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને જકાત નીતિના ગોટાળા મામલે સીબીઆઈએ રવિવારે મેરેથોન પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેમાં આપના નેતાઓએ કેન્દ્ર સરકાર પર આપખુદશાહી હોવાની સાથે અનેક આક્ષેપો કર્યા હતા.
Comments 1