ઠાકરે પરિવાર ફરી એક મંચ પર! મુંબઈ પાલિકાની ચૂંટણી માટે રાજ–ઉદ્ધવની ઐતિહાસિક યુતિ
મુંબઈની રાજનીતિમાં લાંબા સમય બાદ એક ભાવનાત્મક અને ઐતિહાસિક ક્ષણ જોવા મળી. અનેક બેઠક, ચર્ચા અને પરિવારિક મુલાકાતો બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને મનસે વચ્ચે પાલિકા ચૂંટણી માટે સત્તાવાર યુતિ જાહેર થઈ. વરલીમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંનેએ એકસાથે મંચ સંભાળી મરાઠી જનતાને એકતાનો સંદેશ આપ્યો.

ઉદ્ધવ ઠાકરેએ ભાવુક અપીલ કરતા કહ્યું કે, “જો હવે મરાઠી માણસો વહેંચાઈ જશે તો તેમનો અંત નિશ્ચિત છે. મુંબઈ અને મહારાષ્ટ્ર માટે એકતાનો સમય આવી ગયો છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ યુતિ કોઈ સ્વાર્થ માટે નહીં પરંતુ મહારાષ્ટ્ર પ્રત્યેની ફરજ તરીકે રચાઈ છે.
રાજ ઠાકરેએ પણ કહ્યું કે, “મહારાષ્ટ્ર કોઈ પણ મતભેદથી મોટું છે. એટલે જ અમે સાથે આવ્યા છીએ.” તેમણે જાહેરાત કરી કે મુંબઈનો મેયર મરાઠી જ હશે અને Sena (UBT)–MNS યુતિમાંથી જ આવશે. સીટ વહેંચણી અંગે તેમણે જણાવ્યું કે ઉમેદવારોને સીધા નામનિર્દેશન માટે સૂચના આપવામાં આવશે.
યુતિની જાહેરાત પહેલા બંને કઝિનોએ પરિવાર સાથે શિવાજી પાર્ક સ્થિત બાળાસાહેબ ઠાકરે સ્મૃતિસ્થળે શ્રદ્ધાંજલિ અર્પી. આ સાથે આદિત્ય ઠાકરે, અમિત ઠાકરે સહિત પરિવારજનો હાજર રહ્યા, જેને કારણે સમગ્ર ઘટના વધુ ભાવનાત્મક બની.
આ યુતિએ મહારાષ્ટ્રની રાજનીતિમાં નવી ચર્ચા જગાવી છે. જ્યાં સમર્થકો તેને મરાઠી અસ્મિતાની જીત ગણાવી રહ્યા છે, ત્યાં વિરોધીઓએ કડક ટીકા પણ કરી છે. આવનારી મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં રાજ–ઉદ્ધવની આ જોડણી રાજકીય સમીકરણોને બદલી નાખશે કે નહીં, તેની તરફ સમગ્ર રાજ્યની નજર ટકી છે.






