ત્ર્યંબકેશ્વર મંદિરે આવતા ભાવિકો દ્વારા ચઢાવવામાં આવતા પ્રસાદની પવિત્રતા જળવાઈ રહે અને ભેળસેળયુક્ત પ્રસાદ ન વહેચાય એ માટે મંદિર પરિસરના દુકાનદારોને ઓમ પ્રતિષ્ઠાન દ્વારા ઓમ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લીધો છે. નાશિકના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિર ખાતે સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યાધ્યક્ષ રણજિત સાવરકર મહંત આચાર્ય પીઠાધિશ્વર ડૉ. અનિકેત શાસ્ત્રી મહારાજના નેતૃત્વ હેઠળ પ્રસાદ શુદ્ધિ ચળવળ અંતર્ગત ઓમ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અનેક હિન્દુ સંગઠનોના પ્રતિનિધિ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ત્ર્યંબકેશ્વર મંદિરમાં ઓમ સર્ટિફિકેટનું વિધિવત પૂજન કર્યા બાદ ગર્ભગૃહમાં સામુહિક આરતી કરવામાં આવી હતી. અહીંથી શોભાયાત્રા કાઢી સર્ટિફિકેટનું શિવાજી મહારાજના પૂતળા પાસે અનાવરણ કરવામાં આવ્યું અને અમુક પસંદગીના દુકાનદારોને ઓમ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
ઓમ સર્ટિફિકરેટ અંગે જણાવતા પ્રતિષ્ઠાનના પ્રવક્તાએ જણાવ્યું કે, શુદ્ધ પ્રસાદ અંગેની ચળવળ અંતર્ગત આ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્રમાં ક્યુઆર કૉડ આપવામાં આવ્યો છે. આ ક્યુઆર કૉડને સ્કૅન કરતા સંબંધિત દુકાનદારની તમામ વિગતો જોવા મળે છે. એટલે આ સર્ટિફિકેટનો કોઈ દુરુપયોગ કરી શકશે નહીં. તમે પ્રસાદ ક્યાંથી ખરીદ્યો છે એની સમગ્ર વિગત સર્ટિફિકેટ દ્વારા જાણી શકાશે.







