ઘાટકોપર પશ્ચિમમાં ખાનગી હાઉસિંગ કૉમ્પ્લેક્ષમાં આવેલા કુવાનો સિમેન્ટ કોન્ક્રીટનો સ્લેબ તૂટી પડતાં ફોર વ્હીલરે કુવામાં જળ સમાધિ લીધી હતી. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
રવિવારે સોશિયલ મીડિયા પર કાર ડૂબવાનો વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયો જોયા પછી, ઘણા લોકોએ વાહન રસ્તામાં પડેલા ખાડામાં ડૂબી ગયું હોવાનું સમજીને પાલિકાની ટીકા કરવાનું શરૂ કર્યું. જો કે પાલિકાના વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે આ બનાવ સાથે કોર્પોરેશનનો કોઇ લેવાદેવા નથી.
શનિવારે સવારે ઘાટકોપરના પશ્ચિમમાં નઉરોજી માર્ગ સ્થિત જૂની હાઉસિંગ સોસાયટી રામ નિવાસ ખાતે આ ઘટના બની હતી. કૉમ્પ્લેક્ષના પરિસરમાં એક કુવાને અડધો કૂવો આરસીસીથી કવર કરાયેલો હતો. રહેવાસીઓ તેના પર કાર પાર્ક કરતા હતા. આ ભાગ તૂટી પડતા તેના પર પાર્ક કરેલી કાર ડૂબી ગઈ હતી.
પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ક્રેનની મદદથી વાહનને કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ કુવાની ફરતે સલામતીના જરૂરી પગલા ભરવાની સૂચના પણ સોસાયટીને આપવામાં આવી હતી.
કુવામાં ડૂબી ગયેલી કાર કિરણ દોશીની છે. શનિવારે સવારે 8.30 વાગ્યે આ ઘટના બની હતી. “અચાનક એક વ્યક્તિએ મારી કારને જમીનમાં અંદર જતા જોઈ. હું નીચે ઉતર્યા ત્યાં સુધી કારને કુવામાં ડૂબા ગઈ હતી. ” એમ ડૉ. દોશીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કુવો 100 વર્ષ જૂનો છે અને લગભગ 50-60 વર્ષ પહેલા સ્લેબ નાખ્યો હતો.






