આદિત્ય ઠાકરેના જન્મદિવસે એક રૂપિયામાં પેટ્રોલનું વિતરણ કરાયું!
મનસે અધ્યક્ષ રાજ ઠાકરે જન્મદિવસ સાદાઈથી ઉજવશે
એક બાજુ દિવસે ને દિવસે પેટ્રોલના ભાવમાં ભડાકો થઈ રહ્યો છે અને મુંબઈમાં તો પેટ્રોલે સેન્ચુરી ફટકારી દીધી છે. ત્યારે જો કોઈને સસ્તું પેટ્રોલ મળતું હોય તેવા સમાચાર મળે તો પેટ્રોલપમ્પ પર લાંબી લાઈનો લાગી જાય તે સ્વાભાવિક છે. મહારાષ્ટ્રના પર્યાવરણમંત્રી અને યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરેનો 13 જૂને જન્મદિવસ હતો ત્યારે ડોંબિવલી અને બોરિવલીમાં ઓછી કિંમતે પેટ્રોલનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બંને જગ્યાએ બાઇકસવારોની લાંબી લાઈનો જોવા મળી હતી. ડોંબિવલીમાં એક રૂપિયે એક લિટર પેટ્રોલ મળતું હતું, જ્યારે બોરીવલીમાં ઓછા દરે પેટ્રોલ આપવામાં આવતું હતું.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે કેન્દ્ર સરકાર જવાબદાર હોવાનું શિવસેના દ્વારા કહેવામાં આવે છે. જ્યારે આજે ડોંબિવલીની યુવાસેના દ્વારા એક રૂપિયામાં એક લીટર પેટ્રોલ આપીને કેન્દ્ર સરકારને લપડાક લગાવી હોવાનું આ પેટ્રોલપમ્પ પર ચર્ચાઈ રહ્યું હતું.

બોરિવલીમાં ભૂતપૂર્વ નગરસેવક વિનોદ ઘોસાળકર દ્વારા સસ્તા ભાવે પેટ્રોલ આપવામાં આવ્યું હતું. ઘોસાળકરે પેટ્રોલપમ્પની આજુબાજુની સોસાયટીઓના રહેવાસીઓને જાણ કરી હતી. આથી અહીંના રહેવાસીઓએ પેટ્રોલપમ્પ પર ભારે ધસારો કર્યો હતો.
આદિત્ય ઠાકરેએ એક પત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે તેઓ પોતાનો જન્મદિવસ નથી ઉજવવાના અને કાર્યકર્તાઓને પોતે જ્યાં હોય ત્યાંથી તેમને શુભેચ્છા આપવાનું જણાવ્યું હતું.

આજે એટલે કે ૧૪ જૂનના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેનો જન્મદિવસ છે. તેઓ પણ પોતાનો જન્મદિવસ સાદાઈથી અને કુટુંબીજનો સાથે ઉજવવાના છે તેવો નિર્ણય લીધો છે. કોઈ પણ વ્યક્તિએ મળવા ન આવવું અને ફક્ત સંદેશા મારફત જ શુભેચ્છા આપવી તેમ તેમણે જણાવ્યું હતું.
- સ્નેહલ મહેતા






