અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતુશ્રી હીરાબાનું આજે વહેલી સવારે (30 ડિસેમ્બર, 2022) સાડા ત્રણ વાગ્યે સારવાર દરમિયાન નિધન થયું હોવાનું હોસ્પિટલે જારી કરેલા બુલેટિનમાં જણાવાયું હતું. હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી બુધવારે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. બુધવારે જ નરેન્દ્ર મોદી તેમનાં માતાને મળવા હોસ્પિટલ ગયા હતા.

માતા હીરાબાના નિધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ગૌરવપૂર્ણ સદીનો ભગવાનના ચરણોમાં અંત. નરેન્દ્ર મોદીએ કરેલા બીજા ટ્વીટમાં કહ્યું કે, હું જ્યારે તેમના સોમા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહેશે, બુદ્ધિથી કામ કરો, શુદ્ધતાથી જીવો.
આ અગાઉ હીરાબાને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓના કારણે બુધવારે સવારે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ ગુરુવારે જણાવ્યું કે તેમની માતા હીરાબેનની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને તેમણે સવારે લિક્વિડ ડાયટ પણ લીધું હતું.

વડાપ્રધાન મોદી માતાને મળવા બુધવારે જ બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ એક કલાકથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યા હતા અને ડૉકટરો સાથે માતાની તબિયત અંગે ચર્ચા કરી હતી. હીરાબા ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં નાના પુત્ર પંકજ મોદી સાથે રહેતાં હતાં. જ્યારે પણ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ નિયમિતપણે તેમની માતાને મળવા રાયસણ જતા હતા.
હીરાબાનું આજે વહેલી સવારે નિધન થતાં નરેન્દ્ર મોદી માતાના અંતિમ સંસ્કાર માટે દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. માતાને મુખાગ્નિ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી. જોકે નરેન્દ્ર મોદી તેમના અંગત જીવનમાં ગમે તેટલા દુ:ખ આવી પડયા હોય પણ દેશ પ્રત્યેની ફરજ ક્યારેય ચુક્યા નથી. માતાને અંતિમ વિદાય આપ્યાને માત્ર 3 કલાક બાદ જ વડા પ્રધાન મોદીએ વર્ચ્યુઅલી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવાની સાથે પશ્ચિમ બંગાળના અનેક પ્રોજેક્ટના શીલાન્યાસ-ઉદઘાટન કરી પોતાની ફરજ નિભાવી હતી.

વડા પ્રધાને તેમની માતાના અવસાનને કારણે કોલકાતા જવાનો તેમનો કાર્યક્રમ રદ કર્યો, પરંતુ ત્યાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા નહોતા. વડાપ્રધાન વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.






