મિલકત, પ્રોપર્ટી માટે ઘરના લોકો જ વિશ્વાસઘાત કરવાની સાથે હત્યા પણ કરી શકે છે. આવો જ એક બનાવ પુણે ખાતે બન્યો છે. પોતાના જ દીકરાની હત્યા માટે સોપારી આપનારા નરાધમ પિતાની પુણે પોલીસે ધરપકડ કરી છે. અઠવાડિયા પહેલા પુણેના જંગલી મહારાજ રોડ પર ધોળે દિવસે એક બિલ્ડર પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે છ જણની ધરપકડ કર્યા બાદ થયેલી પૂછપરછમાં તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આરોપીઓએ જણાવ્યું કે એક વ્યક્તિએ તેના પુત્રને મારવા માટે 75 લાખ રૂપિયાની સોપારી આપી હતી.
પોલીસે જેમની ધરપકડ કરી છે એમાં પિતા દીનેશચંદ્ર અરગડે ઉપરાંત પ્રશાંત ધાડગે, અશોક ઠોંબરે, યોગેશ જાધવ, ચેતન પોકળેનો સમાવેશ થાય છે. પિતા દીનેશચંદ્ર પુત્ર ધીરજની મનમાની વર્તણિંકથી નારાજ હતા. ધીરજની આવી વર્તણુંકને કારણે ધંધા પર વિપરિત અસર થઈ રહી હતી. એટલું જ નહીં, કૌટુંબિક કારણો અને મિલકતના વિવાદને કારણે પિતા-પુત્રના સંબંધોમાં ખટાશ વધી હતી.
હત્યાના પ્રયાસ બાદ ધીરજે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં ધીરજે જણાવ્યું કે, 16 એપ્રિલે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે એ જંગલી મહારાજ રોડ પર અરગડે હાઈટ્સ બિલ્ડિંગ પાસે હતો ત્યારે હુમલો થયો હતો. બાઈક પર આવેલા હુમલાખોરોએ ધીરજ સામે પિસ્તોલ તાકી અને ગોળીબાર પણ કર્યો. પરંતુ ગોળી પિસ્તોલમાં જ અટવાતા ધીરજનો જીવ બચી ગયો.
આ મામલે ફરિયાદ મળ્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી. પોલીસે ઘટના બની એ પરિસર અને બિલ્ડિંગ પાસેના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા. ઉપરાંત ધીરજ અરગડેની સાથે એના તમામ સગાસંબંધીઓની આકરી પૂછપરછ કરી. ધીરજ અને તેના પિતા દીનેશચંદ્ર અરગડે વચ્ચટે કૌટુંબિક અને મિલકત મામલે વિવાદ ચાલી રહ્યો હોવાની જાણકારી પોલીસને મળી. આ બાબતે વધુ તપાસ કરતા ધીરજ પરના હુમલા પાછળ એના પિતા ધીરજચંદ્રનો હાથ હોવાની આઘાતજનક બાબત જાણવા મળી. દીકરાની હત્યા કરવા માટે સગા પિતાએ હુમલાખોરોને 75 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ મામલે પોલીસે દીનેશચંદ્ર અરગડે ઉપરાંત છ જણની ધરપકડ કરી છે.