કાનની સફાઈ જેવી સામાન્ય બાબતમાં ટેક્નોલોજી શું મદદ કરવાની? પણ વાત આપણે માનીએ છીએ તેટલી સરળ નથી. યાદ કરો, કાનમાં ભરાયેલો મેલ સાફ કરવામાં તમારો કેટલો સમય બગડે છે? સળી વડે કાન સાફ કરતી વખતે પણ કેટલી બધી સાવધાની રાખવી પડતી હોય છે? એમાંય જો કાનમાં નાખેલી સળી સહેજ વધુ અંદર ઊતરે તો આપણાથી ચીસ નીકળી જાય તેટલો દુખાવો થતો હોય છે. પણ હવે આ માથાકૂટમાંથી છુટકારો મળે તે દિવસ દૂર નથી, કેમ કે અમેરિકન માર્કેટમાં બોલપેન આકારનાં મિનિ ઓસ્ટોસ્કોપ આવી ગયાં છે જે કાનનો મેલ સાફ કરવામાં મદદ કરશે! તેની એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કર્યા બાદ બોલપેન આકારની તે ડિવાઈસ કાન સામે રાખવાથી અંદર કેટલો મેલ ભરેલો છે તે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકાય છે. કાનની અંદર સુધી જોઈ શકાય તે માટે ડિવાઈસના છેડે માઈક્રો કેમેરા સાથે નાનકડી લાઈટ પણ ફિટ કરવામાં આવી છે. તમે ચાહો તો તમારા કાનની સફાઈનો રેકોર્ડ પણ રાખી શકો છો. આ ડિવાઈસ નાનાં બાળકો ઉપરાંત પાલતુ પ્રાણીઓના કાન સાફ કરવામાં પણ મદદ કરે છે. વોટરપ્રૂફ હોવાથી પાણી અડે તો પણ તેને અસર થતી નથી. એક અમેરિકન કંપનીએ તૈયાર કરેલી આ ડિવાઈસની કિંમત હાલ ૩૭ ડોલર છે. જે ભારતમાં રૂપિયા ત્રણ હજાર આસપાસ થવા જાય છે. જોકે ભારતમાં તે ક્યારે અને કેવી રીતે પહોંચશે તે બાબતે હજુ સુધી કોઈ વિગતો જાણવા મળતી નથી. પણ હાલ જે રીતે દુનિયાભરમાં જ ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા આ મિની ઓસ્ટોસ્કોપ બહુ ઓછા સમયમાં ભારતીય બજારમાં પણ મળતું થઈ જશે.