ભારતની રક્ષા સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓ (DRDO) એ મિસાઇલ ટેકનોલોજીમાં વધુ એક મહત્વપૂર્ણ કૂદકો ભર્યો છે. ઓડિશાના ચાંદિપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે પિનાકા લૉંગ રેન્જ ગાઇડેડ રોકેટ (LRGR-120) નું પ્રથમ ફ્લાઇટ ટેસ્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
આ ટેસ્ટ દરમિયાન પિનાકા રોકેટે તેની મહત્તમ 120 કિમી રેન્જ પૂર્ણ રીતે સાબિત કરી હતી. પરીક્ષણ દરમિયાન રોકેટે તમામ ઇન-ફ્લાઇટ મેનૂવરિંગ ક્ષમતાઓ સફળતાપૂર્વક દર્શાવી અને નિર્ધારિત ટાર્ગેટ પર અત્યંત ચોકસાઈ (Textbook Precision) સાથે પ્રહાર કર્યો હતો.
ડીઆરડીઓના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણમાં રોકેટની ગાઇડન્સ સિસ્ટમ, નૅવિગેશન કંટ્રોલ અને એરોડાયનેમિક કામગીરી તમામ અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. આ સફળતા પિનાકા રૉકેટ સિસ્ટમને વધુ ઘાતક અને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
પિનાકા લૉંગ રેન્જ ગાઇડેડ રોકેટ સિસ્ટમ ભારતીય સેનાની ફાયરપાવરને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. વિશાળ અંતરેથી દુશ્મનના મહત્વપૂર્ણ ઠેકાણાઓને નિશાન બનાવવા માટે આ રોકેટ અત્યંત અસરકારક સાબિત થશે.
ડીઆરડીઓની આ સફળતા ભારતના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રક્ષણ ક્ષેત્રે દેશની વધતી ક્ષમતાઓનું જીવંત ઉદાહરણ છે. આ ટેસ્ટ સાથે ભારત ફરી એકવાર અદ્યતન રક્ષા ટેકનોલોજીમાં પોતાનું મજબૂત સ્થાન સાબિત કરે છે.






