દર વરસે અનેક શ્રદ્ધાળુઓ હિમાલયમાં બિરાજમાન બરફીલા બાબા અમરનાથના દર્શને જતા હોય છે આ દુર્ગમ યાત્રા દરમિયાન યાત્રિકો બીમાર પડે તો તેમની સારવાર માટે દેશભરના તબીબોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સેવા માટે મોકલતી હોય છે. આ વરસે એટલે કે ૨૦૨૩માં પહેલી જુલાઈથી શરૂ થનારી યાત્રામાં રાજકોટ જિલ્લાના ચાર તબીબો ૧૮ દિવસ (૨૭ જૂનથી ૧૫ જુલાઈ) ફરજ બજાવશે.
આ ટીમમાં જસદણ તાલુકાના કમળાપુર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર ડૉ.ધવલ ગોસાઈ, રાજકોટ તાલુકાના બેડલા કેન્દ્રના ડૉ. રિન્કલ વિરડીયા, ગઢકા કેન્દ્રના ડૉ. હાર્દિક પટેલ, લોધિકા તાલુકાના પારડીના ડૉ. જ્યોતિ પટેલ તેમજ કમળાપુર આરોગ્ય કેન્દ્રના લૅબ ટેક્નિશયન શ્રીમતી મમતા જોશી, મહિપતસિંહ સિસોદીયા, કુવાડવા સી.એચ.સી. નર્સ સ્ટાફનો સમાવેશ થાય છે. હિમાલયમાં ૧૩ હજાર ફૂટની ઉંચાઈએ દુર્ગમ પહાડ પર અને હાડ થીજવતી ઠંડીમાં મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓની સેવા કરવાની સતત બીજા વર્ષે પણ જેમને તક મળી છે, તેવા જસદણ તાલુકાના કમળાપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ.ધવલ ગોસાઈ કહે છે કે, પહેલગામથી લઈ બાલતાલ સુધી દર બે કિ.મી.ના અંતરે ૪૫ જેટલા મેડિકલ કેમ્પ ઊભા કરાય છે. તબીબી સ્ટાફના રહેવાની વ્યવસ્થા પણ ટેન્ટમાં જ કરાય છે. કાશ્મીરમાં કડકડતી ઠંડીમાં યાત્રિકોને સારવાર માટે બેઝ કેમ્પથી લઈને બાલતાલ, ચંદનવાડી વગેરે જગ્યાએ તબીબોની ફોજ સેવા માટે ઉપલબ્ધ હોય છે.
અમરનાથ યાત્રાના ગયા વર્ષના મેડિકલ કેમ્પના અનુભવ વિશે ડૉ. ધવલ ગોસાઈ કહે છે કે, મોટા ભાગના દર્શનાથીઓને અમરનાથ દાદાની ગુફા સુધી પહોંચવામાં પહેલગામ રૂટથી ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ તેમજ બાલતાલ રૂટથી પહોંચવામાં એક દિવસ થાય છે. ત્યારે મોટાભાગના લોકોને સામાન્ય થાકથી માંડી શ્વાસ ચડવાના તથા ઑક્સિજન લેવલ ઘટવાના બનાવો બને છે. તેમજ ડાયાબિટીસના દર્દીઓનું ગ્લુકોઝ લેવલ ઘટી જતું હોય છે. આવા સમયે દર્દીઓ મેડિકલ કેમ્પમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર મેળવી આગળ વધે છે.
ગુજરાતી ડૉક્ટર તેમજ સ્ટાફનો મુખ્ય આશય ત્યાંના દર્શનાર્થીઓની સેવા કરી મહાદેવની નજીક રહેવાનો છે. આ હેતુને સિદ્ધ કરવા તેઓ ત્યાં રહેવા તેમજ જમવાની તકલીફો વચ્ચે પણ પોતાની ફરજ ને પ્રાધાન્ય આપી સેવા કરી રહ્યા છે.
- રાજકોટ ન્યુઝ