કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ કરાયેલા અગદાનને કારણે અનેકના નવજીવન મળી શકે છે. અને એટલા માટે દેશમાં અંગદાન કરવા લોકો પ્રેરાય એ માટે ઘણી સંસ્થાઓ અને હૉસ્પિટલ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આવા જ એક પ્રયાસ રૂપે મીરા રોડ સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલે લગભગ તમામ સમુદાયના ધર્મગુરુઓ સાથે મળી જીવન કા ઉપહાર, ધર્મ સે પરે (Gifting Life, Beyond Religion) અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે હિન્દુ ધર્મના સંત, જૈનાચાર્ય, બૌદ્ધ ધર્મગુરુ ખિસ્તી પાદરી તેમ જ બ્રહ્માકુમારી ઉપસ્થિત રહ્યા હતા.

ભારતમાં અંદાજે દર વર્ષે ૧૭૫૦૦૦ કિડની અને ૫૦૦૦૦ જેટલા લીવર, હ્રદય, ફેફસા અને અન્ય અવયવની દર્દીઓને જરૂર પડે છે જેની સામે ફક્ત ૧૦ ટકા જ અવયવો ઉપલબ્ધ થાય છે. એક બ્રેઈનડેડ વ્યક્તિ દ્વારા કરાયેલા અંગદાનથી આઠ વ્યક્તિને જીવતદાન મળી શકે છે. એટલે લોકોમાં જાગરુકતા આવે અને વધુમાં વધુ વ્યક્તિઓ તેમના બ્રેઈનડેડ સ્વજનનુ અંગદાન કરે તે માટે આજે વૉકહાર્ટ હોસ્પિટલ, મીરારોડ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ધર્મગુરુઓએ પણ અંગદાન કરવા માટે કોઈ ધર્મમાં મનાઈ નથી તેવી સ્પષ્ટતા કરી લોકોને અંગદાન કરવાની અપીલ કરી હતી. બીજું બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાન માટે કોઈ ચાર્જ નથી લેવાતો તેમ હોસ્પિટલના સેન્ટર હેડ ડોક્ટર પંકજ ધમીજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું .






