મુંબઈમાં લોકલ ટ્રેનમાં સીટ મેળવવા માટે અનેક વખત મારામારીના બનાવો બનતાં જોવા અને સાંભળવા મળે છે. પરંતુ મેટ્રોમાં સીટ મેળવવા માટે એક યુવાને પોતાને ધ્રુજારી આવી હોવાનું નાટક કરીને બેસવાની સીટ મેળવી હોવાનો વિડિયો પ્રથમ વખત વાઇરલ થયો હતો.
વાઇરલ થયેલા વિડિયોમાં કેટલીક મહિલા પ્રવાસીઓ બેસેલી જોવા મળે છે. આ યુવાન એક પોલને પકડીને ઉભો હોય છે. આ પોલને પકડીને ઉભેલો યુવાન અચાનક ધ્રુજવા લાગે છે અને થોડી સેંકડમાં આ ધ્રુજારી વધી જાય છે, તે પડી જશે તેવું લાગતાં સીટ પર બેસેલી મહિલાઓમાંથી કેટલીક ઊભી થઈ ગઈ હતી અને તેને બેસવા માટે જગ્યા કરી આપી હતી. આ યુવાન સીટ પર બેસીને પણ ધ્રુજતો હતો. પરંતુ થોડી જ સેંકડમાં તેની ધ્રુજારી અચાનક ગાયબ થઈ જાય છે અને તે નોર્મલ થઈને આરામથી સીટ પર બેસી જાય છે.
આ વિડિયો કઈ જગ્યાનો છે એની ચોક્કસ માહિતી મળી શકી નહોતી, પરંતુ આ વિડિયો મો. રિઝવાન નામની વ્યક્તિએ ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ વિડિયો જોઈને અનેક પ્રતિક્રિયાઓ આવી હતી, જેમાં મુખ્યત્વે કેટલીક વ્યક્તિઓ આ પ્રકારનું નાટક કરે છે, જેથી તેમને બેસવા માટે તાત્કાલિક જગ્યા મળી જાય છે.
- સ્નેહલ મહેતા