એક જ બિલ્ડિંગમાં બાવન કોર્ટ બેસી શકે એવી સુવિધા
રાજકોટ ડિસ્ટ્રિકટ કોર્ટનું નવું બિલ્ડિંગ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી વિશાળ જગ્યા પર બની રહ્યું છે. સરકાર દ્વારા આ કામગીરી માટે રૂ. ૧૧૭ કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે. જેના ભાગરૂપે અંદાજે રૂ. ૯૦ કરોડના ખર્ચે બાંધકામ અને ફર્નિચર સહિત અન્ય સુવિધા સાથે આ કોર્ટ બિલ્ડિંગ તૈયાર થશે. કોર્ટ બિલ્ડિંગનું મોટા ભાગનું સિવિલ વર્ક પૂરૂં થયું છે અને આગામી માર્ચ ૨૦૨૨માં બિલ્ડિંગનું બાંધકામ તૈયાર થઈ જશે, તેમ રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નિતેષ કામદારે જણાવ્યું હતું.
રાજકોટના ઘંટેશ્વરમાં એફ.સી.આઇ.ના ગોડાઉન પાસે ડિસ્ટ્રિક્ટ કોર્ટનું કેમ્પસ ૫૬૬૫૮ ચો.મી. જમીન પર ફેલાયેલું છે. કોર્ટ બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત કુલ પાંચ માળનું બની રહ્યું છે જેમાં મકાનનુ કુલ ક્ષેત્રફળ ૩૬૫૨૦ ચો.મી.રહેશે.
અત્યાર સુધીમાં કોર્ટ બિલ્ડિંગ બાંધકામમાં ચાર માળના સ્લેબની કામગીરી પૂર્ણ થયેલ છે, જ્યારે પાંચમા માળનું આર.સી.સી. કામ પુરૂં થવામાં છે. મૉડેલ કોર્ટરૂમ તૈયાર થયેલ છે.
આ ભવનમાં બાવન કોર્ટનો સમાવેશ થઇ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. લાયબ્રેરી તેમજ વિડિયો કોન્ફરન્સ હૉલ, બાર રૂમ, ચેમ્બરો, સ્ટાફ માટે વિવિધ સુવિધા તેમજ પાર્કિંગની સુવિધા, વિકલાંગો માટે અલાયદી સવલતો સહિતનું સિવિલ વર્ક થઈ રહ્યું છે. આ મકાનમાં સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવા માટેની પણ કાર્યવાહી ચાલી રહી છે.
- ધ રાજકોટ ન્યુઝ






