આવતા મહિને યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે. રાજ્યમાં સત્તા મજબૂત કર્યા બાદ હવે ભાજપે દેશની સૌથી સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહાપાલિકા કબજે કરવાની રણનીતિ ઘડી છે. આ રણનીતિના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મુંબઈમાં પ્રચારસભાઓ કરવા આવી રહ્યા છે, જેના કારણે ચૂંટણીની હવા બદલાવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે.
સૂત્રો મુજબ, ભાજપે BMC ચૂંટણી માટે હાઇ-વોલ્ટેજ પ્રચાર કાર્યક્રમ તૈયાર કર્યો છે. 7 જાન્યુઆરી, 2026ના રોજ ગૃહપ્રધાન અમિત શાહ મુંબઈની મુલાકાત લેશે અને મુલુંડ સહિત બે મહત્વના વિસ્તારોમાં જાહેર સભાઓ કરશે. ત્યારબાદ 11 જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં વિશાળ જનસભાને સંબોધશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મોદીની હાજરીથી ચૂંટણીનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે છે.
ઉપરાંત, 12 જાન્યુઆરી, 2026ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત પણ મુંબઈમાં રહેશે. મુંબઈમાં તેઓ પદયાત્રામાં ભાગ લેશે અથવા સંઘના જૂના કાર્યકરો સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.
મુંબઈમાં મુખ્ય મુકાબલો ભાજપ–શિંદે શિવસેના ગઠબંધન અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના–મનસે વચ્ચે થવાનો અંદાજ છે. કોંગ્રેસ અને NCP બંને જૂથો અલગથી મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ ચૂંટણી ઉદ્ધવ ઠાકરે જૂથ માટે અસ્તિત્વની લડાઈ સાબિત થઈ શકે છે.
મોદી–શાહની આક્રમક પ્રચારસભાઓથી સ્પષ્ટ છે કે BMCની આગામી ચૂંટણી ઐતિહાસિક અને અત્યંત રસાકસી ભરી બનવાની પૂરી શકયતા છે.






