આપણા જ્યોતિષ શાસ્ત્ર મુજબ બાર રાશિ છે અને દરેક રાશિના અલગ અલગ ગુણધર્મો હોય છે. આ કોલમ દ્વારા જ્યોતિષાચાર્ય દરેક રાશિ વિશે સંક્ષિપ્તમાં જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે.
મેષ (અ.લ.ઈ.)
આજે આપણે મેષ રાશિના સર્વસામાન્ય ગુણધર્મનું વિશ્લેષણ કરશું. મેષ રાશિમાં સામાન્ય રીતે અ-લ-ઇ આ ત્રણ અક્ષરથી નામ શરૂ થાય છે. મેષ રાશિવાળા જાતકો સતત કાર્યશીલ, આજ્ઞાંકિત તથા અનુકરણ કરવાવાળા હોય છે. મેષ એટલે કે ઘેટું, મેષ રાશિનું પ્રતિક ઘેટું છે. લાલ રંગવાળી મેષ રાશિનો સ્વામિ મંગળ છે. મેષ રાશિ અગ્નિતત્ત્વની અને ક્ષત્રિય વર્ણની રાશિ છે.
મેષ રાશિના લોકો ઉગ્ર સ્વભાવ તથા ઉતાવળા હોય છે. એક સૈનિકની જેમ તેમની અંદર સાહસ, શિસ્ત, સમર્પણ તથા શૂરવીરતા હોય છે. મેષ રાશિના લોકોમાં અંતિમ શ્વાસ સુધી લડી લેવાની ખુમારી હોય છે.હું કંઇક છું એ મેષ રાશિનું સ્ટેટસ હોય છે.
મેષ રાશિના લોકોએ સફળતા મેળવવી હશે તો શાંતિ તેમ જ ધીરજથી કાર્ય કરવું પડશે. જે કામ હાથમાં લીધું હોય તેને અધવચ્ચે છોડ્યા વિના દૃઢતાથી પૂરૂં કરવું પડશે. મેષ રાશિના લોકોને ભેજાનું દહી થાય એવું માથાકૂટવાળું કામ અનુકુળ નથી આવતું. મેષ રાશિના લોકોને હિલ સ્ટેશન જેવી જગ્યાએ હરવાફરવાનું ગમતું હોય છે. તેમને મરી-મસાલાવાળું ચટાકેદાર તથા તામસિક ભોજન વધુ પસંદ હોય છે. જો કે આ પ્રકારનું ભોજન તેમની તબિયત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે મેષ રાશિના લોકો કઠોર પરિશ્રમી હોય છે એટલે તેમણે પૌષ્ટિક આહાર લેવો જોઇએ.