આજે જેમને રામાયણ સિરિયલમાં આર્ય સુમંતની ભૂમિકાને કારણે ઓળખે છે એ જૂના જમાનાના કલાકાર ચંદ્રશેખરનું આજે 98મા વરસે નિધન થયું હતું. મુંબઈના અંધેરી સ્થિત તેમના ઘરે સવારે લગભગ સવાસાત વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ચંદ્રશેખર વૈદ્યના પૌત્ર વિશાલ શેખરે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોથી બીમાર રહેતા અભિનેતાએ અંતિમ શ્વાસ ઘરે લેવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાથી ઘરમાં જ હોસ્પિટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી.
ચંદ્રશેખરના પુત્ર પ્રોફેસર અશોક ચંદ્રશેખરે જણાવ્યા મુજબ તેમની અંતિમ વિધિ વિલે પાર્લેસ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી.
શમશાદ બેગમે ભલામણ કર્યા બાદ ચંદ્રશેખરને તેમની પહેલી ફિલ્મ 1948માં પુણેના શાલિમાર સ્ટુડિયોની ફિલ્મ મળી હતી. જોકે હીરો તરીકેની તેમની પહેલી ફિલ્મ હતી સુરંગ (1953) જેના નિર્માતા હતા વી. શાંતારામ. ત્યાર બાદ તેમણે અનેક ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે કામ કર્યું. 50થી 90ના દાયકામાં તેમણે ચરિત્ર અભિનેતા તરીકે ગેટવે ઑફ ઇન્ડિયા, બરસાત કી રાત, કટી પતંગ, ધ બર્નિંગ ટ્રેન, નમક હલાલ, ડિસ્કો ડાન્સર, શરાબી, ત્રિદેવ જેવી અનેક ફિલ્મો કરી હતી.
તેમણે મ્યુઝિકલ હિટ ફિલ્મ ચા ચા ચા (1964)નું નિર્માણ-દિગ્દર્શન કરવાની સાથે એમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. હેલનની હીરોઇન તરીકેની આ પહેલી ફિલ્મ હતી. ચંદ્રશેખરની ફિલ્મ ચા ચા ચાને અવિજિત ઘોષનાં પુસ્તક 40 રીટેક્સ : બૉલિવુડ ક્લાસિક્સ યુ મે હેવ મિસ્ડમાં સ્થાન મળ્યું હતું નિર્માતા-દિગ્દર્શક તરીકે તેમની બીજી ફિલ્મ હતી સ્ટ્રીટ સિંગર (1966).
1998માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાયણમાં તેમણે આર્ય સુમંતની ભજવેલી ભૂમિકાને કારણે તેઓ ઘરે ઘરે પહોંચ્યા હતા. રામાયણ સિરિયલ સ્વીકારી ત્યારે તેમની ઉંમર 65 વર્ષ હતી. તેઓ સિરિયલના તમામ કલાકારોમાં સૌથી સિનિયર કલાકાર હતા. સિરિયલના સર્જક રામાનંદ સાગર અને ચેંદ્રશેખર ખાસ મિત્રો હતો અને તેમના કહેવાથી જ ચંદ્રશેખરે રામાયણ સિરિયલ સ્વીકારી હતી.
ચંદ્રશેખર વૈદ્યનો જન્મ 1923માં હૈદરાબાદ ખાતે થયો હતો. નાનપણથી જ અભિનયનું ઘેલું લાગ્યુ હોવાથી નાની વયે જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હોવાથી અભ્યાસ પૂરો કરી શક્યા નહીં. તેમના શરૂઆતના દિવસો ઘણા મુશ્કેલીભર્યા હતા. તેમની પાસે કામ નહોતું ત્યારે ચોકીદાર તરીકે પણ નોકરી કરી હતી. ચંદ્રશેખરે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. તેમણે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો.
અભિનયની સાથે ચંદ્રશેખર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક સંગઠનોમાં કાર્યરત રહ્યા હતા. જેમાં સિને આર્ટિસ્ટ્સ અસોસિયેશન (સિન્ટા)ના પ્રેસિડન્ટ, ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ, ઑલ ઇન્ડિયા ફિલ્મ એમ્પ્લોઇઝ કન્ફેડરેશનના પ્રેસિડન્ટ, સિને આર્ટિસ્ટ્સ વેલફેર ફંડ ઑફ ઇન્ડિયા અને સિને આર્ટિસ્ટ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી. ઉપરાંત ઇન્ડિયન ફિલ્મ ડાયરેક્ટર્સ અસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ, ફિલ્મ રાઇટર્સ અસોસિયેશન અને ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર અસોસિયેશનના સભ્ય તરીકે કાર્યરત હતા. 2000ની સાલમાં 78 વર્ષની વયે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નિવૃત્તિ લીધી. તેમની છેલ્લી ફિલ્મ હતી ખૌફ.
ચંદ્રશેખરના પુત્ર અશોક ચંદ્રશેખર જાણીતા ટીવી નિર્માતાની સાથે તેઓ ઇવેન્ટ્સ અને સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ચલાવે છે. જ્યારે ચંદ્રશેખરનો પૌત્ર શક્તિ અરોરા અભિનેતા છે.