જાણીતાં ચિત્રકાર પૂનમ રાઠીનાં પેઇન્ટિંગ્સનું પ્રદર્શન તાજેતરમાં ગોરેગાંવ સ્થિત નેસ્કો ખાતે યોજાયું હતું. એક્ઝિબિશનમાં બૉલિવુડના કલાકાર વિંદુ દારાસિંહ, ફિલ્મ કૉરિયોગ્રાફર ઉમેશ જાધવ, વિખ્યાત પેઇન્ટર સદાશિવ સાવંત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પિતાજીની પ્રેરણાથી બાળપણથી જ પેઇન્ટિંગનો શોખ ધરાવતી પૂનમને લગ્ન બાદ પતિનો પણ પૂરો સહકાર મળ્યો. જેમ એક મૂર્તિકાર એક પત્થરને ભગવાનની મૂર્તિનું સ્વરૂપ આપે છે, તેમ પૂનમ પણ સ્કેચ દ્વારાભગવાનના સ્વરૂપોને કેન્વાસ પર ઉતારે છે. એટલું જ નહીં, પૂનમના એક્રેલિક કે વૉટર કલર પેઇન્ટિંગ્સની પણ જાણકારો પ્રશંસા કરે છે.
પૂનમે પેઇન્ટિંગની તાલીમ જાણીતા ચિત્રકાર સદાશિવ સાવંત પાસે લીધા બાદ અનેક પેઇન્ટિંગ્સ બનાવ્યા. આ પેઇન્ટિગ્સનું એક્ઝિબિશન કરવાનું પૂનમ રાઠી અને નંદકિશોર રાઠીએ વિચાર્યું. અને નેસ્કો ખાતે ત્રિદિવસીય પ્રદર્શન યોજાયું જેને હજારો કલાપ્રેમીઓએ માણ્યું હતું. પેઇન્ટિંગ્સની સાથે પૂનમે વિવિધ વિષયો પર કવિતાઓ લખી છે.