ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો (સ્વતંત્ર) એક્ઝિબિશન ‘ઝોઇ બાય કાનન’ વરલીસ્થિત પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગૅલેરીમાં યોજવામા આવ્યુ હતુ. આ એક્ઝિબિશનમાં કાનન ખાંટના ૫૦ થી વધુ પેઈન્ટિંગ્સ પ્રદર્શિત થયાં હતાં. આ એક્ઝિબિશન લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતાના હાથે ૧૦ ઓગસ્ટની સવારે ખુલ્લું મુકાયું હતું. ૧૦ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ પેઈન્ટીંગ એક્ઝિબિશનની મુલાકાત જુદા જુદા ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓએ લીધી હતી.
‘તારક મેહતા કા ઊલટા ચશમા’ સિરિયલમાં અંજલિ તારક મેહતાનું પાત્ર ભજવી ચૂકેલાં લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતાએ એક્ઝિબિશન ખૂલ્લુ મૂક્યા પછી પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ‘લોકડાઉનને કારણે ઘણા ક્ષેત્રોને નુકસાન પહોંચ્યું એમાં આર્ટ ફિલ્ડને તો સૌથી વધુ અસર થઈ હતી. લોકડાઉન પછી શહેરની આર્ટ ગેલેરીઝ ખૂલી રહી છે એ કલાપ્રેમીઓ માટે આનંદની વાત છે.
‘ખુદાગવાહ’ ફિલ્મના પ્રોડ્યુસર અને મુંબઈના સૌથી જૂના ‘મરાઠા મંદિર’ તથા ‘ગેઈટી-ગલેક્સી’ સહિત અનેક થિયેટર્સના માલિક મનોજ દેસાઈ પણ કાનન ખાંટના પેઈન્ટિંગ્સ નિહાળીને પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું હતું કે ‘આવા ચિત્રો બનાવવા માટે ખૂબ જ એફર્ટ્સ કરવા પડે જે કાનન ખાંટનાં પેઈન્ટિંગ્સમાં દેખાય છે.
‘ભૂલભૂલૈયા’ અને ‘૧૦૨ નોટ આઉટ’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અને અનેક ટીવી સિરિયલ્સમાં લીડ રોલ કરી ચૂકેલા પ્રખ્યાત અભિનેતા જિમિત ત્રિવેદીએ કહ્યું હતું કે ‘આ એક્ઝિબિશનની મુલાકાતમાં કાનન ખાંટના અનોખા ચિત્રો જોયા પછી મને લાગે છે કે હું અલગ પર્સ્પેક્ટીવથી મારી જિંદગીની નવી શરૂઆત કરીશ.’
જાણીતાં લેખિકા ગીતા માણેકે કહ્યું હતું કે ‘કાનનના પેઇન્ટિંગ્સ બહુ બોલકા છે પણ તેમની ભાષા સૌમ્ય અને મૃદુ છે. કાનનના પેઈન્ટિંગ્સ તમને બહારથી ભીતર જવા પ્રેરિત કરે છે કારણ કે એ ભીતરથી આવીને બાહ્ય અભિવ્યક્તિ પામ્યા છે
કાનન ખાંટે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘દરેક કલાકારનું સપનું હોય છે કે નેહરુ સેન્ટર જેવી અત્યંત પ્રતિષ્ઠિત આર્ટ ગેલેરીમાં તેના પેઈન્ટિંગ્સનું સ્વતંત્ર પ્રદર્શન યોજાય. મારું એ સપનું પૂરું થઈ રહ્યું છે એથી હું ખૂબ જ આનંદ અનુભવું છું. મેં આ પ્રદર્શનનું ટાઇટલ ‘ઝોઇ બાય કાનન’ રાખ્યું છે. ઝોઇ એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ‘જીવન’. ઘણા કલાકારો સામાન્ય રીતે એક થીમ પસંદ કરે અને તેની આસપાસ આર્ટવર્કસ બનાવે. પરંતુ મારી કળા જીવનથી પ્રેરિત છે, અને જીવન પોતે જ એક વૈવિધ્યસભર રહસ્ય છે એટલે મારા આર્ટવર્કમાં એકથી વધારે થીમ્સ રિફ્લેક્ટ થાય છે. મારા આર્ટવર્કસ જીવનના વિવિધ શેડ્સ અને લાગણીઓને રજૂ કરે છે. એ સ્ત્રીત્વની શક્તિને પણ રજૂ કરે છે. મેં પૌરાણિક કથાઓની સ્ત્રીઓને તેમના મુક્ત-વહેતા સ્વરૂપોમાં સન્માનિત કરતી એક થીમ બનાવી છે.







