મુંબઇ સ્ટોક એક્સચેન્જ ખાતે મુખ્ય પ્રધાનની ઉપસ્થિતીમાં કાર્યક્રમ સંપન્ન થયો
વડોદરા મહાનગરપાલિકાના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-ર૦રરના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઇમાં આયોજિત સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય પ્રધાને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ રીન્ગિગ દ્વારા BSEની દિવસભરની કામગીરીનો આરંભ કરાવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન-‘‘અમૃત’’ યોજના હેઠળ આપવા પાત્ર ફાળા માટેની રૂ. ૧૦૦ કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા મેળવી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન સબસ્ક્રીપ્શન માટે ગત ર૪ માર્ચના આ બોન્ડ ઇસ્યુ ખોલવામાં આવ્યો હતો. આ ઇસ્યુ ખૂલતા વેત જ પ્રથમ સેકન્ડે જ ૪.પર ગણું સબસ્ક્રાઇબ થયુ હતું. એટલું જ નહિ, ઇસ્યુનો સમય પૂર્ણ થતા સુધીમાં તો મહાપાલિકાના રૂ. ૧૦૦ કરોડના આ બોન્ડ સામે ૩૩ રોકાણકારો દ્વારા ૧૦.૦૭ ગણુ વધારે એટલે કે રૂ. ૧૦૦૭ કરોડની બિડ થઇ હતી.
વડોદરા મહાપાલિકાનો આ બોન્ડ આજ સુધીના સૌથી ઓછા એટલે કે ૭.૧પ ટકાના દરે સબસ્ક્રાઇબ થયેલો છે તે પણ એક સિદ્ધિ છે.
મુખ્ય પ્રધાને વડોદરા મહાનગરપાલિકાના આ સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ થવા માટે મહાનગર સેવા સદનની સમગ્ર ટીમ અને મેયર કેયુર રોકડીયા તથા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલને અભિનંદન પાઠવ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોન્ડ થકી ઉભી કરાયેલી રકમ રૂ. ૧૦૦ કરોડ સિંઘરોટ પાણી પુરવઠાના પ્રોજેક્ટ તથા અમીતનગર ખાતેના એ.પી.એસ. પેટે વાપરવામાં આવનાર છે. સિંઘરોટ ખાતેના પાણી પુરવઠાના પ્રોજેક્ટ થકી શહેરના લોકોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળાશે જ્યારે અમીતનગર એ.પી.એસ પ્રોજેક્ટ થકી સુવેઝ પાણીના સુવ્યવસ્થિત નિકાલ માટે મદદરૂપ થશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્બન લોકલ બોડીઝ, શહેરી વિકાસ વિભાગ અને સેબીના સહયોગથી મ્યુનિસિપલ બોન્ડ ઊભા કરી લોકલ સેલ્ફ ગર્વમેન્ટ બોડીઝને પ્રૂડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટની પ્રેરણા આપી છે.
આવા બોન્ડના ભંડોળથી અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોની વૃદ્ધિ સાથે લોક સહભાગીતાને પણ સાંકળી સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસની નેમ તેમણે પાર પાડી છે એમ મુખ્ય પ્રધાને ઉમેર્યુ હતું.
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં અમદાવાદ અને સુરત મહાનગર પછી વડોદરા ત્રીજી મહાનગરપાલિકા છે જેણે આવા બોન્ડથી શહેરી સુખાકારીના કામોને નવી દિશા આપી છે.
તેમણે કહ્યું કે, અર્બનાઇઝેશન હવે ચેલેન્જ નહિ, ઓર્પોચ્યુનિટી બની ગયું છે અને વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી શહેરો લવેબલ, લિવેબલ બનવા લાગ્યા છે. શહેરી સુખાકારીની વ્યાખ્યા લાઇટ, પાણી, ગટર, રસ્તાથી વિસ્તરીને ઇઝ ઓફ લિવીંગ સુધી પહોંચી છે.
ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યકત કર્યો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ તરીકે દેશમાં ઉજવાઇ રહ્યું છે ત્યારે ‘અમૃત’ મિશન માટે કેન્દ્રીય સહાય ઉપરાંત આ બોન્ડથી મળેલી જનભાગીદારી વડોદરા મહાનગરના વિકાસને આવનારા સમયનો અમૃત કાળ બનાવશે.
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, આવા બોન્ડથી મહાનગરપાલિકાઓના નાણાકીય વ્યવસ્થાપનમાં આત્મનિર્ભરતા આવશે.
શહેરી વિકાસ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં આવા બોન્ડ મહત્વપૂર્ણ બનશે અને આત્મનિર્ભર શહેરો, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ સાકાર થશે તેવી અપેક્ષા મુખ્ય પ્રધાને દર્શાવી હતી.
આ પ્રસંગે વડોદરા શહેરના મેયર કેયુરભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગપાલિકાએ પ્રથમ બોન્ડનું લિસ્ટિંગ કર્યું છે. રૂ. ૧૦૦ કરોડનું ફંડ ખૂબ જ ઓછા દરે બોન્ડ થકી મળ્યું છે, જે વડોદરાના શહેરીજનોના પીવાના પાણી સહિતના વિકાસ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાશે.
BSEના એમ.ડી. અને સી.ઈ.ઓ. આશિષકુમારે વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન પાઠવી, વડોદરાના વિકાસ માટે આ ભંડોળ આશીર્વાદરૂપ બનશે તેમ જણાવ્યું હતું. અર્બન લોકલ બોડી આવા ફંડ દ્વારા હકારાત્મક અભિગમ સાથે નાગરિકોની સુવિધામાં ઉમેરો કરી શકે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
સ્માર્ટ સિટી મિશન ડાયરેક્ટર અને ભારત સરકારના સંયુક્ત સચિવ કુણાલકુમારે જણાવ્યું કે, ગુજરાત સરકારનો શહેરી વિકાસનો આ અભિગમ અન્ય માટે પ્રેરણારૂપ બન્યો છે. ભારત સરકાર અને બોમ્બે સ્ટોક એક્સ્ચેંજના સહિયારા પ્રયાસોથી દેશના શહેરોમાં ઇન્ફાસ્ટ્રક્ચર ઉભું કરવાનું નવું પ્લેટફોર્મ તૈયાર થયું છે.
ગુજરાત સરકારના નાણાં વિભાગના અગ્ર સચિવ જે. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ફંડ શહેરી વિકાસના કામોનું ચાલક બળ બનશે. અમદાવાદ બાદ સુરત અને હવે વડોદરા મહાનગરપાલિકાએ ભંડોળ ઉભું કરી નાગરિકોની સુખાકારી માટે વિકાસની આ નવતર કેડી કંડારી છે.
યુ.એસ.ટ્રેઝરર બિલ બ્લોકે ગુજરાત સરકાર અને વડોદરા મહાનગરપાલિકાને બોન્ડ થકી ફંડ એકત્ર કરવાની સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આવું વધુ ફંડ મેળવી લોકહિતના કાર્યો કરવાનો તેમણે અનુરોધ પણ કર્યો હતો.
આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, ઉપમેયર નંદાબેન જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments 1