અયોધ્યા સ્થિત મંદિરમાં પાંચસો વરસ બાદ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે સંપન્ન થઈ. મહોત્સવ દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાયો. આ અવસરના સાક્ષી બનવાની ઇચ્છા તો અનેકને થઈ હશે પણ રામ લલ્લાની કૃપા જેમના પર વરસી હશે તેઓ જ આ અવસરે અયોધ્યાની પાવન ધરતી પર ડગ માંડી શક્યા. આ વસરે મુંબઈના સિનિયર પત્રકાર હરેશ મહેતા અને ફોટોગ્રાફર વિજય પણ અયોધ્યા પહોંચ્યા અને સાત દિવસ અયોધ્યામાં ભ્રમણ કરવાની સાથે સાધુ સંતો સાથે સત્સંગ કર્યો. પ્રવાસીઓ સાથે ચર્ચા કરવાની સાથે શ્રી રામ પ્રત્યેની ભાવિકોની ભક્તિ પ્રેમની અનુભૂતિ જોવા મળી.
રામ પ્રત્યે પ્રેમ દર્શાવવા દેશ-વિદેશથી આવેલા રામ ભક્તો માટે અનેક સ્થળે રામભક્તો દ્વારા આખો દિવસ મફત ચા અને કૉફી સાથે યાત્રાળુ ભોજન કરી શકે એ માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રામ લલ્લાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમ જ બીજા દિવસે દર્શન કરવા આવેલા લાખો ભક્તો ભવાવેશમાં આનંદના અશ્રુ વહાવી રહ્યા હતા. તો કેટલાક નૃત્યની સાથે ભજન ગાતા હતા… ભક્તો એટલા ભાવુક હતા કે તેમને પડી રહેલી તકલીફ-પીડા પણ ભૂલી ગયા હતા. એટલું જ નહીં, ભાવવિભોર બનેલા ભક્તો કહેતા હતા કે મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ અમારા જીવનની ધન્ય ઘડી છે.
અયોધ્યામાં અનેક સંત, મહંત અને ગુરુનો પરિચય થયો. જેમની સાથે સત્સંગ અને ધાર્મિક ચર્ચા દરમિયાન સનાતન ધર્મ અને ગ્રંથોની જાણકારી મેળવવાનો અમૂલ્ય અવસર મળ્યો.
હનુમાન ગઢીના મહંત રાજુદાસ મહારાજ, રંગ મહેલના મહંત રામ શરણ મહારાજ… રંગ મહેલની દિવ્ય ગાય સરયુ, એ અયોધ્યા શહેરની શાન બાન અને પ્રાણ છે… મહામંડલેશ્વર રામગિરી મહારાજ, સ્વામી ભાસ્કરાચાર્ય અને ભારતના ઘણા મહાન સંત સાથે ચર્ચા કરવાની સાથે તેમના આશીર્વાદ મેળવ્યા.
ભક્તો આવા અદ્ભુત કાર્ય માટે મોદીજી અને યોગીજીનો દિલથી આભાર માનતા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમામ યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા મળી રહે એ માટે પોલીસ, અન્ય સુરક્ષા એજન્સીઓએ તેમ જ સખાવતી સંસ્થાઓએ પ્રસંશનીય કામગીરી કરી બજાવી હતી.
ભગવાન રામ પ્રત્યેનો આદર અને પ્રેમ દર્શાવવા માટે દેશના વિવિધ રાજ્યોથી અનેક યુવાન ભક્તો સાયકલ પર આવ્યા હતા. માતા-પિતા પણ તેમના નાના બાળકોને લલ્લાના દર્શન માટે લઈ આવ્યા હતા જેથી તેઓ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ધર્મથી પરિચીત થઈ શકે.