પિતા સાથે ગરબા જોવા પાંચ વરસનો હિમાંશુ અવધેશ યાદવ જઈ રહ્યો હતો ત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. આ સમયે કેટલાક લોકો પણ તેમની સાથે હતા. દીપડાએ આવી પાછળથી હુમલો કર્યો અને બાળકને ઉપાડીને જંગલ તરફ ભાગવા લાગ્યો. જોકે બાળકના પિતા અને અન્ય લોકોએ દીપડાનો પીછો કરતા ગભરાયેલો દીપડો બાળકને પડતું મુકી ભાગી છૂટ્યો હતો. હાલ બાળકને જોગેશ્વરીની ટ્રોમા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર છે.

આરે કોલોનીમાં અગાઉ પણ દીપડાએ બાળકો પર હુમલા કર્યાની અનેક ઘટનાઓ બની છે. આ વરસે વન વિભાગે બે દીપડાને પણ પકડ્યા હતા.
જંગલમાં લોકો ગેરકાયદે ઝૂંપડાઓ બાંધી રહેતા હોવાથી જ્યારે દીપડો ખોરાકની શોધમાં બહાર આવે છે, ત્યારે તેઓ કોઈપણ પ્રાણી, ગાય અથવા બાળકો પર હુમલો કરતો હોવાનું જોવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થયા બાદ આરે પોલીસે વન વિભાગનો સંપર્ક કર્યો અને તેમને સમગ્ર મામલાની જાણકારી આપી હતી. પોલીસ અને વન વિભાગના અધિકારીઓ આદર્શ નગર ડેરી પાસેના CCTV પણ ચકાસી રહ્યા છે. માનવજાત પર હુમલો કરી રહેલા દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પીંજરું મુકવામાં આવશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.






