મહારાષ્ટ્રના વન, સાસ્કૃતિક અને મત્સ્ય પાલનના કેબિનેટ પ્રધાન સુધીર મુનગંટીવારે પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન વાઘોની રાજધાની ચંદ્રપુર ખાતે તાડોબા મહોત્સવનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ અવસરે 71મી મિસ વર્લ્ડ ટીમે મહારાષ્ટ્ર સરકારના સેવ ધ ટાઇગર મિશનને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે સુધીર મુનગંટીવાર મિસ વર્લ્ડ ટીમ અને સ્પર્ધકોને આવતા અઠવાડિયે તાડોબા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાની સાથે તાડોબા સફારીની મોજ માણવા આમંત્રણ આપ્યું હતું. 71મી મિસ વર્લ્ડનું ગ્રૅન્ડ ફિનાલે 9 માર્ચ 2024ના જિઓ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ કાર્યક્રમ સોની લિવ પર લાઇવ સ્ટ્રીમ થશે.

મુંબઈ ઍરપોર્ટ પાસે આવેલી પંચતારક હોટેલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું કે, વાઘની સંખ્યામાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે. 2016માં વાઘની વસતિ 3890 હતી જે 2023માં વધીને 5575 થઈ છે. ભારત અને નેપાળ એવા દેશો છે જેમણે કરેલા પ્રયાસોને કારણે વાઘની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મિસ વર્લ્ડ ટીમના વૈશ્વિક પ્રભાવને ધ્યાનમાં રાખીએ તો વાઘના સંરક્ષણની સફળતાને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. એટલું જ નહીં, આવનારી પેઢી પણ જંગલમાં વિહાર કરતા વાઘને નિહાળી શકે.

આ પ્રસંગે મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનનાં અધ્યક્ષ અને સીઇઓ જુલિયા મોર્લેએ કહ્યું કે, સકારાત્મક બદલાવના રાજદૂત હોવાને કારણે અમારે આ પ્રકારના સંદેશનું સમર્થન કરતા ઉત્સવમાં આમંત્રિત કરાયા એનો ગર્વ છે. વાઘ માત્ર સુંદરતા અને તાકાતનું પ્રતીક જ નથી, એ આપણા ગ્રહનું ઇકોલૉજિકલ સંતુલન જાળવવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. અને એટલા માટે જ અમને આનંદ છે કે આ શાનદાર પ્રાણીના સંરક્ષણ માટે અથાક પ્રયાસો થઈ રહ્યા છે.






