રામ ભક્તોની સુવિધા માટે ખાસ શરૂ કરાયેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. સુરતથી ઉપાડેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન પરના પથ્થરમારાની ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં અયોધ્યાથી રામ ભક્તોને લઈ મુંબઈ આવી રહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન પર બારાબંકી અને લખનૌ વચ્ચે પથ્થર મારો થયો હતો.

આ બનાવને પગલે વાતાવરણ તંગ બન્યું હતું. આ અંગે ટ્રેનની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મીએ લખનઉ સ્ટેશને જાણ કરતા રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ લખનઉ સ્ટેશને દોડી આવ્યા હતા.
બનાવની વિગત મુજબ બારાબંકી અને લખનૌ વચ્ચે આવતા સ્ટેશન મલ્હૌર ખાતે તોફાની તત્વોએ આસ્થા સ્પેશિયલ ટ્રેનના એસ -4 કોચ પર પથ્થર મારો કર્યો હતો. જોકે ઠંડીને કારણે કોચની બારીઓ બંધ હોવાથી એક પણ પ્રવાસીને ઇજા પહોંચી નહોતી.

કોચમાં પ્રવાસ કરનારી મહિલા રામ ભક્તોએ બનાવ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રેલવે પોલીસના જવાનો આવીને બારી બંધ કરવા જણાવ્યા બાદ તુરંત પથ્થરમારો શરૂ થયો હતો. આનો અર્થ એવો થયો કે રેલવે પોલીસને અગાઉથી જાણકારી હતી કે પથ્થરમારો થઈ શકે છે. આમ છતાં તોફાની તત્વો વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં આવતી કેમ નથી? પોલીસ કોને અને શું કામ છાવરી રહી છે?
બીજી તરફ રોષે ભરાયેલા રામ ભક્તોને ઠંડા પાડવા સિનિયર અધિકારી ધસી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ઘટનાની નોંધ લેવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુરતથી અયોધ્યા જઈ રહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન પર મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પથ્થરમારો થયો હતો.






