અંધેરી સ્થિત એનજીઓ ખિદમત ફાઉન્ડેશન આર્થિક રીતે નબળા વર્ગ માટે સમુહ લગ્નોત્સવનું આયોજન કરે છે. આ અંગે એનજીઓના સ્થાપક ભૂતપૂર્વ નગરસેવક મોહસિન હૈદરે જણાવ્યું કે, સમાજના નબળા વર્ગોની સેવા માટે સ્થપાયેલ ખિદમત ફાઉન્ડેશન છેલ્લા પંદર વરસથી જરૂરિયાતમંદ યુગલોના ધામધૂમથી લગ્ન કરાવી આપે છે. સંસ્થા માત્ર લગ્ન જ નથી કરાવી પતી પણ સંસાર શરૂ કરવા માટેની તમામ જરૂરી ચીજવસ્તુઓ પણ દરેક યુગલને કરિયાવરમાં આપે છે. જેમાં પલંગથી લઈ કબાટ, વાસણો વગેરે તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે.
મોહસીન હૈદરે વધુમાં જણાવ્યું કે, આ વરસે 6 જૂને આયોજિત સમુહ લગ્નોત્સવમાં મુસ્લિમ યુગલોની સાથે ધનગર સમાજના પણ યુગલો પણ સામેલ થયા છે. એટલે આઠ મુસ્લિમો યુગલના નિકાહ જોગેશ્વરી સ્થિત બેન્ક્વેટ હૉલ ખાતે કરવામાં આવશે. જ્યારે ધનગર સમાજની યુવતીઓ તેઓ જે મંદિરમાં કહેશેસ ત્યાં તેમની લગ્નવિધિ કરવામાં આવશે. લગ્ન બાદ તમામ યુગલોનું સામુહિક રિસેપ્શન યોજવામાં આવશે.
ખિદમત ફાઉન્ડેશનની સ્થાપના મોહસીન હૈદરે કરી હતી. સમુહ લગ્નની જવાબદારી તેમનાં પત્ની અને સ્થાનિક નગરસેવિકા મેહેર સંભાળી રહ્યાં છે. તેમના દ્વારા જ નવવધૂઓના લગ્નના કપડા, જૂતા, કબાટ, પલંગ, વાસણો, પંખા જેવી વસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. હૈદરે વધુમાં જણાવ્યું કે સામુહિક લગ્ન માટે અમે કોઈ પાસે ફંડ લીધું નથી. તમામ ખર્ચ મારા પરિવારે જેમાં મારી પત્ની, ભાઈઓ, મારા પુત્રોS ઉઠાવ્યો છે. હું ભલે રાજકારણી રહ્યો પણ આવી બિન રાજકીય પ્રવૃત્તિ મને પૂરો આત્મસંતોષ આપે છે.
મોહસીન હૈદરે ખિદમત ફાઉન્ડેશનની વિગતો આપતા કહ્યું, અમે માત્ર લગ્નનું આયોજન જ નથી કરતા. જેમની સાથે યુવતી પરણવાની છે એ યુવક વિશેની પણ પૂરી જાણકારી મળવીએ છીએ જેથી લગ્ન બાદ યુવતીએ મુસીબતોનો સામનો ન કરવો પડે. ઉપરાંત લગ્નમાં તમામ યુગલોના પરિવારનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે જેથી કોઇએ મહેણા સાંભળવા ન પડે.
લગ્નોત્સવમાં અનેક રાજકીય મહાનુભાવો અને ફિલ્મી કલાકાર પણ હાજરી આપવાના છે. તેમણે મને ડોનેશનની ઑફર કરી પણ મેં ના પાડવાની સાથે કહ્યું તમારે જો કંઈ આપવું હોય તો દરેક યુગલને તમારી પસંદગીની ગિફ્ટ આપો. એ સાથે દરેક યુગલને સેલિબ્રિટી સાથે ફોટો પડાવવાનો પણ મોકો મળશે.






