પચાસ વરસ પહેલાં આજના દિવસે (27 મે)ના સ્થપાયેલો મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ એની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યો છે. સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષના શુભારંભ પ્રસંગે ૨૭ મે ૨૦૨૩ના મરાઠી પત્રકાર સંઘ સ્થિત હૉલ ખાતે મુંબઇ ગુજરાતી પત્રકાર સંઘના સભ્યોની ઉપસ્થિતિમાં સંઘની સુવર્ણ જયંતિની ઉજવણી કેક કાપી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રસંગે મુંબઇ ગુજરાતી પત્રકાર સંઘની સંપૂર્ણ કમિટી અને અનેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં. ઉજવણી પછી સંધની બેઠક આયોજીત કરવામાં આવી હતી. આ બેઠકના અધ્યક્ષ સ્થાને સંઘનાં અધ્યક્ષ નીલમ પુજારા રહ્યાં હતાં જ્યારે બેઠકનું સંચાલન ઉપાધ્યાક્ષ શ્રી ધનંજય દેસાઈ અને મહાસચીવ કુનેશ દવે તેમજ કોષાધ્યક્ષ વિપુલ વૈદ્યએ કર્યું હતું. આ બેઠકમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.
કેક કટિંગ બાદ મળેલી બેઠકમાં સંઘના સેક્રેટરી અને ખજાનચી કુનેશ દવેએ સભ્ય નોંધણી અભિયાન શરૂ કરવાની અને વધુમાં વધુ પત્રકારોને સંઘના સભ્ય બનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. જેને ઉપસ્થિત દરેક સભ્યોએ બંને પદાધિકારીઓના સૂચનને વધાવી લીધું હતું. એ સાથે ઉપસ્થિત સભ્યોએ ગુજરાતી સિવાયના અન્ય ભાષી સામયિક, અખબારની સાથે વેબસાઇટમાં કાર્યરત ગુજરાતી ભાષી પત્રકારોને પણ સંઘના સભ્ય બનાવવાનું સૂચન કર્યું હતું.
સંઘના સેક્રેટરી વિપુલ વૈદ્યે જણાવ્યું કે, સંઘ દ્વારા પત્રકારોના લાભાર્થે અનેક કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના છે. એ સાથે સંઘનું પોતાનું કાર્યાલય પણ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
આ પ્રસંગે સંઘના સભ્યો પી. સી. કાપડિયા, જયેશ શુક્લા અને ધીરજ રાઠોડે પણ તેમના મંતવ્ય રજૂ કર્યા હતા.
એ સાથે 1 થી 30 જૂન દરમિયાન સભ્ય નોંધણી અભિયાન ચલાવવાના પ્રસ્તાવની સાથે સંઘના સભ્ય બનવા માટે 100 રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી હતી. ઉપરાંત 30 જૂન બાદ અનુકુળ સમયે એજીએમ બોલાવી ભાવિ કારોબારીની નિયુક્તિ/ચૂંટણી કરાવવા અંગેનો નિર્ણય લેવા અંગેનો પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે સંઘનાં પ્રમુખ નીલમ પુજારાએ ઉપસ્થિત તમામ સભ્યોને શુભેચ્છા આપી સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપ એક રંગારંગ કાર્યક્રમ દિવાળીની આસપાસ યોજવાનું સૂચન કર્યું હતું. એ સાથે તેમણે કાર્યક્રમ સફળ બનાવવા ઉપસ્થિત તમામ પત્રકારોનો આભાર માન્યો હતો.
સંઘની પચાસ વરસની ઉજવણીમાં માત્ર ગુજરાતી અખબારોના જ નહીં, અન્યભાષી અખબાર, ઑનલાઇન મીડિયાના પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ઉજવણીને સફળ બનાવવામાં ગ્લોબલ એડવર્ટાઇઝર્સ પ્રા. લિમિટેડ અને એમ.એમ. મીઠાઇવાલાના એમડી સંજીવ ગુપ્તાએ પણ સહયોગ આપ્યો હતો.
Comments 1