મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને કેન્દ્રિય પશુપાલન પ્રધાન પરસોત્તમ રુપાલા ગઉ ગ્રામ મહોત્સવનું કરશે ઉદઘાટન
મુંબઈથી પ્રકાશિત થતાં ગઉ ભારત ભારતી દ્વારા ગોરેગાવ પૂર્વના સંમિત્ર ગ્રાઉન્ડ ચાફેકર ચોક પાસે ગઉ ગ્રામ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. સાત દિવસ ચાલનારા આ ભવ્ય કાર્યક્રમમાં ગાય આધારિત અર્થવ્યવસ્થા તૈયાર કરવા માટે ભારતીય ગૌવંશથી ઉત્પાદિત વિવિધ પ્રકારના ઉત્પાદનોનું પ્રદર્શનનું પણ આયોજન કરાશે. આ અવસરે વિવિધ પ્રકારના ગીત-સંગીત ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના આયોજક સંજય અમાને જણાવ્યું કે, ‘ગઉ ગ્રામ મહોત્સવ’ ગૌભક્તોની સાથે ભારતના તમામ ગાય આધારિત ઉત્પાદન બનાવનારાઓ, ગાય માતાના વૈજ્ઞાનિક રીતે પ્રચાર-પ્રસાર સાથે સંકળાયેલા લોકો માટેનો આ એક શ્રેષ્ઠ મંચ છે. કાર્યક્રમમાં અમે તમામ ગૌભક્તો અને ગાય આધારિત ઉત્પાદનો બનાવનારાઓને આમંત્રિત કરીએ છીએ. એ સાથે ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયની તમામ લાભકારી યોજનાઓને પણ આ મંચ પરથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાના ઉદ્દેશથી અમે સ્ટાર્ટઅપ, વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે અમે આ કાર્યક્રમમાં એવી સંસ્થાઓ આમંત્રિત કરીએ છીએ જે આ અંગેનું માર્ગદર્શન આપશે.
ભારત સરકાર સાથે સંકળાયેલી નાણાકીય સંસ્થાઓ પણ છે જે સ્ટાર્ટઅપ, વોકલ ફોર લોકલ જેવી યોજનાઓને નાણાકીય સહાયતા કેવી રીતે મળી શકે એનું માર્ગદર્શન આપશે. બ્રાન્ડિંગ અને માર્કેટિંગ, જાહેરખબર સાથે સંકળાયેલી સંસ્થાઓ પણ છે જે ગાય આધારિત ઉત્પાદનોની માગ કેવી રીતે વધારી શકાય એ અંગેના વિચારો રજૂ કરશે.
સંજય અમાને વધુમાં જણાવ્યું કે, આ કાર્યક્રમમાં આમંત્રિત ગાય પર સંશોધન કરતા વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, કૃષિ વૈજ્ઞાનિકો તેમના વિચારો આયોજિત સેમિનારમાં રજૂ કરશે. સેમિનારના માધ્યમથી ભારતીય ગૌવંશ પર સંશોધન, જૈવિક ખેતી, કુદરતી ખાતર વગેરે વિષયો પર પણ ચર્ચા થશે. કાર્યક્રમમાં યુવાનો જોડાય એ માટે સ્કૂલ-કૅલેજના વિદ્યાર્થીઓને નિબંધ, ડ્રોઇંગ સ્પર્ધા જેવી વિવિધ યોજનાઓના માધ્યમથી સાંકળવામાં આવશે.
આ ખાસ કાર્યક્રમનું ઉદઘાટન 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી અને કેન્દ્રિય પશુ પાલન પ્રધાન પરસોત્તમ રુપાલાના હસ્તે કરાશે. અન્ય આમંત્રિતોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી
આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી, આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા સહિત અન્ય મહાનુભાવોને આમંત્રિત કરાયા છે. આ કાર્યક્રમના આયોજનમાં ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ કમિશન, જીવ જંતુ કલ્યાણ બોર્ડનું પણ માર્ગદર્શન મળ્યું છે.
કાર્યક્રમની આયોજન સમિતિમાં મુખ્યત્વે રામકુમાર પાલ, સંતોષ સહાને, જ્ઞાનમૂર્તિ શર્મા, કપિલ કિયાવત, વિનોદ કોઠારી, અજય યાદવ, રાજેશ મહેતા, વિશાલ ભગત મુખ્ય છે. તો આયોજનના મુખ્ય સલાહકાર સંજય બલોદી – પ્રખર મંચનું સંચાલન કરશે.
Comments 1