જપાની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા ૨૮ જૂનથી શરૂ થનારી વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનથી બહાર નીકળી ગઈ છે. ઓસાકાએ અંગત કારણોસર આ નિર્ણય લીધો છે અને તે આ વર્ષે યોજાનારી ટોકિયો ઓલિમ્પિક પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ પહેલા ઓસાકાએ ફ્રેન્ચ ઓપન ૨૦૨૧માં પણ ન રમવાનો ર્નિણય લીધો હતો. ગુરુવારે, રાફેલ નડાલે પણ જાહેરાત કરી કે તે આ વર્ષની વિમ્બલ્ડન અને ટોકિયો ઓલિમ્પિકમાં રમશે નહીં.
નાઓમી ઓસાકાના એજન્ટ સ્ટુઅર્ટ ડુગિડે આ જાણકારી એએફપીને મેલ દ્વારા જણાવી હતી. ડુગિડે વધુમાં જણાવ્યું હતું કે ઓસાકા ઓલિમ્પિક માટે તૈયાર થઈ જશે અને એના વતનના ચાહકો સામે રમવાની ઇચ્છા ધરાવે છે. ફ્રેન્ચ ઓપન ૨૦૨૧માં પ્રેસ કૉન્ફરન્સમાં ભાગ ન લેવા બદલ ઓસાકાને ૧૫,૦૦૦ યુએસ ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે અચાનક ટુર્નામેન્ટમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો હતો. ઓસાકાએ કહ્યું કે તે ૨૦૧૮ થી માનસિક તાણ સામે લડી રહી છે.






