આવતા મહિને શરૂ થનારી ટોકિયો ઓલિમ્પિક માટે ૧૬ સભ્યોની ભારતીય પુરુષ હોકી ટીમની ઘોષણા કરવામાં આવી છે, જેમાં દસ ખેલાડીઓ પહેલીવાર ઓલિમ્પિક્સમાં રમશે. હોકી ઈન્ડિયાએ શુક્રવારે ટીમમાં જાહેરાત કરી છે, જેમાં ૧૦ ખેલાડીઓની સાથે અનેક અનુભવી અને દિગ્ગજ ખેલાડીઓ પણ છે. બેંગલુરુમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા ખાતે ચાલી રહેલી રાષ્ટ્રીય શિબિરમાં ટીમને સઘન તાલીમ આપવામાં આવી છે.
અનુભવી ગોલકીપર પી.આર. શ્રીજેશ અને મિડફિલ્ડર મનપ્રીત સિંહ ટીમમાં ત્રીજી ટર્મ માટે સિલેક્ટ થયા છે. તેમના સિવાય ઓલિમ્પિકના અન્ય મુખ્ય ખેલાડીઓ હરમનપ્રીત સિંહ, રુપિંદર પાલ સિંઘ, સુરેન્દર કુમાર અને મનદીપ સિંહ ટીમના અનુભવી ખેલાડીઓ છે. ઘૂંટણની ગંભીર ઈજાને કારણે ૨૦૧૬ની ઓલિમ્પિકમાં બહાર રહ્યા પછી વીરેન્દ્ર લકરાને ૨૦૨૦ ટોકિયો ઓલિમ્પિક્સની ટીમમાં ભાગ લેવાની એક મોટી તક મળી છે. આ સિવાય ટીમમાં અમિત રોહિદાસ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ, નીલકાંત શર્મા, સુમિત અને યુવા ફોરવર્ડ્સ શમશેર સિંઘ, દિલપ્રીત સિંઘ, ગુરજંત સિંહ અને લલિતકુમાર ઉપાધ્યાય સામેલ છે.
ભારતીય પુરુષ હોકી ટીમનો ઓલિમ્પિકમાં સમૃદ્ધ ઇતિહાસ છે. ટીમે ૧૧ ઓલિમ્પિક મેડલ જીત્યા છે, જેમાં ૮ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સામેલ છે. જોકે ભારતીય ટીમને છેલ્લે ઓલિમ્પિક મેડલ જીત્યાંને ૪૧ વર્ષ થયા છે, તેથી હાલની ભારતીય પુરુષ હોકી ટીમ ટોકિયોમાં નવો અધ્યાય લખવા સજ્જ છે.
હાલની ટીમે ૨૦૧૬ અને ૨૦૧૮ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી, ૨૦૧૭ એશિયા કપ અને ૨૦૧૯ વર્લ્ડ સિરીઝ જીતી છે. પુરૂષોની ટીમે આ વર્ષે ઓલિમ્પિકની તૈયારીઓના ભાગ રૂપે યુરોપ અને આજેર્ન્ટિનાની પણ મુલાકાત લીધી હતી. જર્મની, ગ્રેટ બ્રિટન અને ઓલિમ્પિક ચેમ્પિયન આજેર્ન્ટિનાની ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યા પછી, વિશ્વની ચોથા નંબરની ટીમ ટોકિયો ઓલિમ્પિક્સની તૈયારી કરી રહી છે. ભારતીય પુરૂષની ટીમને ૨૩ જુલાઈથી ૫ ઓગસ્ટ દરમિયાન ટોક્યોમાં યોજાનારી ૨૦૨૦ ઓલિમ્પિક ગેમ્સ માટે ઓલમ્પિક ચેમ્પિયન આજેર્ન્ટિના, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સ્પેન અને યજમાન જાપાનની સાથે પુલ એમાં રાખવામાં આવી છે.
ભારતીય પુરુષ હોકી ટીમ
ગોલકીપરઃ પી.આર.શ્રીજેશ.
ડિફેન્ડર્સઃ હરમનપ્રીત સિંહ, રૂપીંદર પાલ સિંઘ, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દર લકરા.
મિડફિલ્ડર્સઃ હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ, નીલકાંત શર્મા, સુમિત.
ફોરવર્ડઃ શમશેર સિંઘ, દિલપ્રીત સિંઘ, ગુરજંત સિંઘ, લલિતકુમાર ઉપાધ્યાય, મનદીપ સિંઘ.