ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને ડૉક્ટરની સલાહનનું પાલન કરવા તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેઓ તાત્કાલિક અમલમાં આવે એ રીતે તેમનું રાજીનામું આપી રહ્યા છે. એ સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે થયેલા અમૂલ્ય અનુભવો અને આંતરદૃષ્ટિ માટે આભાર માન્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં ધનખડે જણાવ્યું કે સ્વાસ્થ્યના કારણોસર ડૉક્ટરની સલાહ મુજબ, હું બંધારણના અનુચ્છેદ 67(એ) અનુસાર તત્કાલ અમલમાં આવે તેમ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપું છું. હું મહામહિમ – ભારતનાં માનીય રાષ્ટ્રપતિ, તેમનાં અતૂટ સમર્થન અને મારા કાર્યકાળ દરમિયાન અમારાં સુખદ અને અદભુત કાર્ય સંબંધો માટે હું હાર્દિક આભારહ વ્યક્ત કરું છું, એમ ધનખડે તેમના રાજીનામામાં લખ્યું હતું.
હું માનનીય વડા પ્રધાન અને સન્માનીય પ્રધાન મંડળ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વડા પ્રધાનનો સહયોગ અને સમર્થન અમૂલ્ય રહ્યું છે, અને મને મારા કાર્ય ઘણું શીખવા મળ્યું છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ મુખ્ય વિરોધ પક્ષના નેતાઓની પ્રતિક્રિયાઓ આવી હતી. કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે, આ અમારા માટે આઘાતજનક છે. કારણ, સાંજે પોણા છ વાગ્યે હું તેમની કેબિનમાંથી બહાર આવ્યો. અમારી સાથે જયરામ રમેશ અને પ્રમોદ તિવારી પણ હતા. અમે જસ્ટિસ વર્મા વિરુદ્ધના મહાભિયોગના મુદ્દે ચર્ચા પણ કરી. એ સમયે અમને જરાય લાગ્યું નહીં કે તેમની તબિયત ખરાબ છે. તેઓ એકદમ નિષ્પક્ષતાથી ગૃહ ચલાવતા હતા. આ દેશની રાજનીતિ માટે આંચકાજનક છે.
કૉંગ્રેસના જ વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઉપરાષ્ટ્રપતિના આ પગલાને રહસ્યમય ગણાવ્યું હતું. એક્સ પર લખેલી પોસ્ટમાં જયરામ રમેશે લખ્યું કે, હું સાંજે લગભગ પાંચ વાગ્યા સુધી તેમની સાથે હતો. એ સમયે અન્ય સંસદ સભ્યો પણ ઉપસ્થિત હતા. ત્યાર બાદ સાંજે સાડા સાત વાગ્યે તેમની સાથે ફોન પર પણ વાત કરી હતી. ધનખડ તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે એમાં કંઈ ખોટું નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેમના આવા અણધાર્યા રાજીનામાની પાછળ જે દેખાય છે એના કરતી અનેકગણું વધુ હોય એવું લાગે છે.
કાર્યકાળ પૂરો નહીં કરી શકનારા ધનખડ ત્રીજા રાષ્ટ્રપતિ
જગદીપ ધનખડ પહેલાં અન્ય બે ઉપરાષ્ટ્રપતિ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા. કૃષ્ણ કાંતે 21 ઓગસ્ટ, 1997ના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે 27 જુલાઈ, 2002ના કાર્યકાળ પૂરો થાય એ પહેલાં તેમનું નિધન થયું હતું. ઉપરાંત, વરાહકિરિ વેંકટ ગિરિ (વી. વી. ગિરિ)એ પણ 1069માં ઉપરાષ્ટ્રપતિ પદેથી તેમનો કાર્યકાળ ચાલુ હતો ત્યારે રાજીનામું આપ્યું હતું, જેથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે.
ધનખડ ત્રણ વરસ પર પણ પદ પર ન રહ્યા
જગદીપ ધનખડે 11 ઓગસ્ટ, 2022ના ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. 6 ઓગસ્ટ, 2022ના થયેલી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમણે વિરોધ પક્ષના ઉમેદવાર માર્ગરેટ આલ્વાને હરાવ્યા હતા. જગદીપ ધનખડને 725માંથી 528 મત મળ્યા હતા. જ્યારે માર્ગરેટ આલ્વાને 182 મત મળ્યાં હતાં. ઉપરાષ્ટ્રપતિ બન્યા એ પહેલાં ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદે હતા.






