કચ્છની 300 વીરાંગનાઓની ગાથા આલેખતી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા 13 તારીખે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, શરદ કેલકર અને પંજાબના સુપર સ્ટાર ઍમી વિર્ક જેવા દિગ્ગજ કલાકારો સાથે ભારતીય આર્મીમાં ફરજ બજાવી ચુકેલો ગાઝિયાબાદનો રાહુલ ચૌધરી પણ ઍરફોર્સના જવાંમર્દ જવાનની ભૂમિકામાં જોવા મળશે.
જુનિયર નેશનલ જુડો-કરાટેમાં ગૉલ્ડ મેડલ જીતી ચુકેલો ગૌરવ 18મા વરસે આર્મીમાં જોડાયો. શૂટર રાજ્યવર્ધન રાઠોડ સાથે આર્મીમાં કામ કરી ચુકેલો રાહુલ 13 તારીખે એની ફિલ્મ રિલીઝ થઈ રહી હોવાથી ઘણો એક્સાઇટેડ છે. ફિલ્મી ઍક્શન સાથે કરેલી વાતચીતમાં આર્મીથી ફિલ્મી કરિયરની વાત કરી હતી.
અજય દેવગણ સાથેની ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા કેવી રીતે મળી અને એમાં તમારી ભૂમિકા કેવી છે?
હકીકતમાં મને મારા મિત્ર દ્વારા જાણ થઈ કે ફિલ્મ માટે કાસ્ટિંગ થઈ રહ્યુ છે ત્યારે મેં પણ મારો પ્રોફાઇલ મોકલ્યો. કાસ્ટિંગ ડિરેક્ટરને પ્રોફાઇલ ગમ્યો અને મને લૂક ટેસ્ટ માટે બોલાવ્યો. ઑડિશન થયું, એક વાર નહીં, બે-ત્રણવાર ઑડિશન લેવામાં આવ્યા બાદ મને ઍરફોર્સના ઑફિસર વિરાગ પટેલની ભૂમિકા મળી.
આર્મી છોડી ફિલ્મી કરિયર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
હકીકતમાં મને સ્પોર્ટ્સ પ્રત્યે ઘણો લગાવ હતો. જુડો-કરાટે મારી ફેવરિટ ગેમ. તમને જાણીને નવાઈ લગશે પણ નેશનલ જુડો-કરાટે સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ જીતી ચુક્યો છું. અને એને કારણે જ આર્મીની નોકરીની ઑફર મળી. અઢારમા વરસે મેં આર્મી જોઇન્ટ કર્યું. જોકે આર્મીની રૂટિન લાઇફને કારણે મારો જીવ અકળાતો હતો. નાનપણથી મને મૉડેલિંગ પ્રત્યે આકર્ષણ હતું અને ઇચ્છા થતી કે એ ફિલ્ડમાં જવું છે. પણ આર્મીમાં આવ્યા બાદ એ સપનું સાકાર થાય એમ નહોતું. આખરે પાંચ વરસ કામ કર્યા બાદ આર્મીમાંથી રાજીનામુ આપી ગ્લેમરની દુનિયામાં ડગ માંડ્યા. આર્મી છોડી દિલ્હી આવ્યો અને મૉડેલિંગની શરૂઆત કરી. દેશ-વિદેશમાં અનેક શો કર્યા.
મુંબઈ ક્યારે આવ્યા અને પહેલો બ્રેક કોણે આપ્યો?
દિલ્હીમાં મૉડેલ તરીકે સફળતા મળ્યા બાદ મેં મુંબઈ આવવાનું નક્કી કર્યું. ઘરમાં બધાનો વિરોધ હોવા છતાં 2011માં હું મુંબઈ આવ્યો. અહીં આવ્યા બાદ મને જાણ થઈ કે મૉડેલિંગ અને અભિનય બંને અલગ વસ્તુ છે. અભિનયના પાઠ ભણવા મુજીબ ખાનના થિયેટર ગ્રુપમાં જોડાયો. એ સાથે કિશોર નમિત કપૂરને ત્યાં વર્કશોપમાં ભાગ લીધો. એક અભિનેતા તરીકે પાર્થો ઘોષની દોસ્તી જિંદાબાદ, અ ડૉટર્સ ટેલ પંખ અને મૈં ખુદીરામ બૉઝ હૂંમાં કામ કર્યું. આ મિલે ઉડ ચલે આલ્બમ પણ કર્યું. થોડી ટીવી સિરયલોમાં કામ કર્યું પણ 2017થી સિરિયલમાં કામ કરવાનું બંધ કર્યું.
અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
સાચું કહું તો સંજય દત્ત અને સોનાક્ષી સિંહા સાથે મારા કોઈ સીન નથી. અજય સર સાથે માત્ર એક જ શિડ્યુલ કરવાનો મોકો મળ્યો. પરંતુ એક વાત ચોક્કસ કહીશ કે આટલા મોટા સ્ટાર હોવા છતાં નવોદિતોને પ્રોત્સાહન આપતા હોય છે. ક્યાંક ભૂલ થઈ હોય તો પ્રેમથી સમજાવે. મોટા સ્ટાર સાથે કામ કરતા હોઇએ ત્યારે તેમની પાસેથી ઘણું શીખવા મળે છે.
દિગ્દર્શક અભિષેક દુધૈયા સાથેનો અનુભવ કેવો રહ્યો?
અભિષેક દુધૈયા પાસે સૌથી મહત્ત્વની વાત જાણવા-શીખવા મળી હોય તો એ છે કમ્ફર્ટ ઝોનમાં કેવી રીતે રહેવું. સેટ પર તમામ કલાકાર પછી એ નવા હોય કે સ્ટાર તમામ સાથે સરખો વ્યવહાર, કલાકારોને સુંદર રીતે ટ્રીટ કરે છે. બાકી તમે વરસોથી અભિષેકને ઓળખો છો એટલે તેમની કામ કરવાની સ્ટાઇલ કે સ્વભાવ વિશે વધું શું કહું. ડિરેક્ટર તરીકે તો સુપર્બ છે જ પણ વ્યક્તિ તરીકે પણ એકદમ સાલસ.
ભુજ બાદ આગામી ફિલ્મ?
અત્યારે એમએક્સ પ્લેયરની ફિલ્મ કરી રહ્યો છું જેમાં હું ઇન્સ્પેક્ટર રોહન પાટિલનું પાત્ર ભજવી રહ્યો છું. આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મનું 70 ટકા શૂટિંગ પૂરૂં થયુ છે. જોકે ફિલ્મનું નામ હજુ નક્કી નથી કર્યું. આ સિવાય એક મોટા બેનરની ફિલ્મ છે જેની જાહેરાત ટૂંક સમયમાં થશે.