કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનાં માતુશ્રી માધવી રાજે સિંધિયાનું નિધન
કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું બુધવાર (15 મે)ના સવારે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં અવસાન થયું હતું. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ સવારે 9.28 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. થોડા દિવસોથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી એઇમ્સ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. તેમને ન્યુમોનિયાની સાથે સેપ્સિસથી પણ પીડાતાં હતાં.
માધવી રાજે સિંધિયાનાં પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે ગ્વાલિયર લઈ જવાશે. માધવી રાજે નેપાળના રાજઘરાના સાથેં સંબંધ ધરાવતાં હતાં. સમાજસેવામાં તેઓ ઘણાં સક્રિય હતાં. તેઓ 24 ધર્માર્થ ટ્રસ્ટોનાં અધ્યક્ષ હતાં, જે શિક્ષણ અને મેડિકલ જેવા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેઓ સિંધિયાઝ કન્યા વિદ્યાલયના બૉર્ડ ઑફ ગવર્નર્સનાં અધ્યક્ષ હતાં. તેમણે તેમના દિવંગત પતિ માધવરાવ સિંધિયાની યાદમાં મહેલના સંગ્રહાલયમાં ગેલેરી પણ બનાવડાવી હતી.






