સૌરાષ્ટ્રમાં નાના અને મધ્યમ ઉધોગોની ઉત્પાદન ક્ષેત્રે ખૂબ સારી આવડત અને ફાવટ છે. સૌરાષ્ટ્રની આ ઉદ્યોગ ક્ષેત્રે નિપુણતાને ધ્યાનમાં રાખીને યુગાન્ડા એમ્બેસી દ્વારા રાજકોટ વિઝિટનું આયોજન કરાયું છે.
આફ્રિકાના અનેક દેશો ગુજરાતમાં કાર્યરત લઘુ ઉદ્યોગો જેવા જ ઉદ્યોગો સ્થાપવા આયોજન કરી રહ્યા છે. યુગાન્ડાના હાઈ કમિશ્નર દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઇ તેજૂરાનો આ બાબત સંપર્ક કરવામાં આવેલ છે. યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા લખવામાં આવેલ તેમની જરૂરિયાતમાં ટી પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા, ડેરી અને આઈસક્રીમ પ્લાન્ટ અને મશિનરી, ટોયલેટ અને ટીસ્યુ પેપર બનાવવાની મશિનરી, મકાઈની મિલ માટે પ્લાન્ટ અને મશિનરી, અનાજ સંગ્રહ માટે, પશુ આહાર બનાવવા માટે પ્લાન્ટ અને મશિનરી, માચ્છીમારીના સાધનોની ખરીદી, ઇરિગેશન સિસ્ટમ, ઘઉં પ્રોસેસિંગ પ્લાન્ટ, મશિનરી અને મિલ, ટોમેટો કેચપ, ચીલી સોસ અને તે પ્રકારની ફૂડ પ્રોડક્ટ બનાવવાની મશિનરી, નાની સાઈઝની સુગર મિલ તથા શેરડી પીલાણની મશિનરી, મોજા અને એ પ્રકારની પ્રોડક્ટ માટેની મશિનરી, બેકરી પ્રોડક્ટ્સની મશિનરી, એડિબલ ઓઇલ પેસ્ટ બનાવવાની મશિનરી, દવા બનાવવા માટેની વિવિધ મશિનરી અને પ્લાન્ટ સહિતના ઉદ્યોગો સ્થાપવા માટે તેઓ રસ ધરાવે છે.
આ ઉપરાંત અનેક પ્રકારના અન્ય ઉદ્યોગો માટે પણ આપણે તેમને માર્ગદર્શન આપીને શરુ કરાવી શકીએ.
આ વિઝિટનો ઉદ્દેશ અહીંથી પ્લાન્ટ અને મશિનરી ખરીદી કરવાનો તેમજ અહીંના ઉદ્યોગો સાથે એગ્રીમેન્ટ કરી તૈયાર માલ ખરીદવા ઉપરાંત મશિનરી, પ્લાન્ટ કે પ્રોજેક્ટ ખરીદવાનો, ટેક્નોલોજી અને ટ્રેનિંગ તથા કાચો માલ ખરીદવાનોની રહેશે.
યુગાન્ડાના ડેપ્યુટી હેડ ઑફ ગુજરાત મિશન કેઝાલ દ્વારા સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) સાથે આ બાબતમાં ઘણા વખતથી કોમ્યુનિકેશનનો દોર ચાલુ હતો. SVUM ના પ્રયાસોથી બે હાઈ લેવલ ડેલિગેશન આવનારા દિવસોમાં રાજકોટની મુલાકાત લેશે. SVUM ના પ્રમુખ પરાગ તેજૂરાના જણાવ્યા પ્રમાણે, સૌ પ્રથમ યુગાન્ડાના હાઈ કમિશ્નર અને તેમના અધિકારીઓની ટીમ અભ્યાસ અર્થે જૂન માસના અંત ભાગ અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં રાજકોટ આવશે અને વિવિધ ફેક્ટરીઓની મુલાકાત લેશે. ત્યારબાદ બીજા તબક્કામાં લગભગ 35 લોકોનું ડેલિગેશન આવશે જેમાં ત્યાંના મોટા બિઝનેસમેન તથા સરકારી અધિકારીઓની ટીમ ઓગસ્ટ માસમાં આવશે.
સૌરાષ્ટ્ર ગુજરાતના બિઝનેસમેન માટે આફ્રિકામાં ઉદ્યોગો સ્થાપવા અથવા તો સ્થાપવા માટેની ટેક્નોલોજી, મશિનરી, તાલીમ અને કાચોમાલ પૂરો પાડવાની ઉત્તમ તકનું સર્જન થયેલ છે.
યુગાન્ડાના ડેલિગેશનની સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓ સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ નગદીયા, કેતનભાઈ વેકરિયા, નિશ્ચલ સંઘવી, મયુર ખોખર, લવ પીઠવા, મિહિર સખીયા, હૈમાગ સીલકી, નીરવ પટેલ, તીર્થ મકતી તથા વિરલ રૂપાણી કરી રહ્યા છે.
ધ રાજકોટ ન્યુઝ