2024માં દક્ષિણ આફ્રિકાને હરાવી જીતેલો ખિતાબ જાળવી રાખવાનો પડકાર હવે નવી રચનાવાળી ટીમ સામે છે. જૂના અનુભવો અને નવા ઉત્સાહનું અનોખું મિશ્રણ ધરાવતી આ ટીમ ભારતને ફરી ઇતિહાસ રચવાની તક આપે છે.
ટીમમાં મોટા ફેરફાર
2024ની વર્લ્ડ કપ વિજેતા ટીમની સરખામણીએ 2026ની ટીમમાં નોંધપાત્ર બદલાવ જોવા મળ્યા છે. કુલ 7 નવા ચહેરાઓને ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે 8 ખેલાડીઓ એવા છે જે અગાઉની ટીમનો ભાગ રહ્યા હતા. દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જડેજાએ 2024 બાદ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લેતા ટીમને નવી દિશામાં આગળ વધવું પડ્યું છે.
કોણ બહાર, કોણ અંદર?
2024માં ટીમમાં રહેલા યશસ્વી જયસવાલ, ઋષભ પંત, યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ 2026ની ટીમમાં નથી. જ્યારે અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી જેવા યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ ટીમની નવી ઓળખ બનશે.
ઇતિહાસ રચવાની તક
ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાની અને ત્રણ ટી20 ખિતાબ જીતવાની ઐતિહાસિક તક પણ ભારત પાસે છે. હવે જોવાનું રહ્યું કે નવી ટીમ જૂના સપનાઓને નવા જુસ્સા સાથે કેવી રીતે સાકાર કરે છે.





