મુડ્સ એન્ડ મેમરીઝ
હિન્દી ફિલ્મોમાં શરૂઆતમાં અભિનેતા કે અભિનેત્રીઓએ જ તેમનાં ગીતો ગાવા પડતા હતા. જોકે અનેક મધમીઠાં ગીતોથી લોકોને ડોલવાનાર ગાયિકા સુરૈયાના કેસમાં એ ઉધું થયું હતું. એ પહેલાં પ્લેબેક સિંગર તરીકે ફિલ્મોમાં આવી અને ત્યાર બાદ અભિનેત્રી બની. મજાની વાત એ હતી કે ફિલ્મોમાં ગાયિકા તરીકે અમાપ સફળતા મેળવનાર સુરૈયાએ પદ્ધતિસરનું સંગીતનું શિક્ષણ લીધું જ નહોતું. એમ છતાં તેનો સુંદર અવાજ અને હલક લોકોને સ્પર્શી ગયા. પછી તો સુરૈયાએ ગયેલાં ગીતોએ એવી ધૂમ મચાવી કે તે સૌથી વધારે પૈસા લઇને ગીતો ગાનારી અભિનેત્રી-ગાયિકા બની. એ જમાનામાં એક ફિલ્મમાં કામ કરવા માટે એ અ ધ ધ ધ એક લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. પ્રોડ્યુસરો તેને એ કિંમત પણ આપતા કારણ કે જો સુરૈયા તમારી ફિલ્મમાં હોય અને ગીતો ગાવાની હોય તો એ ફિલ્મ હિટ જ જાય એવુ ગણિત એ વખતે બેસી ગયું હતું. આટલા નાણા ચુકવ્યા પછી પણ પ્રૉડ્યુસરને નફો થતો.

હાલની જેબી પેટિટ સ્કૂલ એ વખતે ન્યુ હાઇ સ્કૂલ હતી. એમાં ભણતી સુરૈયા એ સમયે ઑલ ઇન્ડિયા રેડિયો પર બાળકોના પ્રોગ્રમમાં ગાતી અને એ વખતે તેના સહધ્યાયીઓ હતા રાજ કપૂર અને મદન મોહન. તેઓ પણ ઑલ ઇન્ડિયા રેડિયોનાં પ્રોગ્રમમા એનો સાથ આપતા. સંગીકાર નૌશાદે તેનો અવાજ એક પ્રોગ્રામમાં સાંભળ્યો અને તેને 1942માં કારદારાની ફિલ્મ શારદામાં પ્લેબેક સિંગર તરીકે મોકો આપ્યો અને અભિનેત્રી મહેતાબ માટે સુરૈયા પાસે ગવડાવ્યું. એ વખતે સુરૈયાની ઉમંર હતી માત્ર 13 વર્ષ.
સાદા સિમ્પલ ટ્યુનવાળાં ગીતોમાં સુરૈયા એ કદર ભાવના ઠાલવી દેતી કે લોકો તેનાં ગીતાના દીવાના બની જતા. એ ગીતો પર એક ઉડતી નજર નાખીએ તો વો પાસ રહે યા દૂર રહે નઝરોમેં સમાયે રહેતે હૈ ઇતના તો બતા દે કોઇ હમેં ક્યા પ્યાર ઇસીકો કહેતે હૈ, તું મેરા ચાંદ મૈ તેરી ચાંદની, મુરલીવાલે મુરલી બજા મુરલી કી ધુન સુને કે નાચે જીયા, તેરે નૈનોને ચોરી કિયા મેરા છોટા સા જીયા પરદેસિયા, યે કૈસી અજબ દાસ્તાન હો ગયી હૈ… આવા અનેક ગીતો લોકપ્રિય થતા સુરૈયાનું નામ ઘરઘરમાં ગુંજવા લાગ્યું અને એ ટોચની એક્ટર સિંગર બની ગઈ.
સુરૈયાની લોકપ્રિયતા એ હદે વધી ગઈ કે તેના મરિન ડ્રાઇવ પર આવેલા મકાનની બહાર તેની એક ઝલક મેળવવા ચાહકોનો ટોળા ઉમટતા. જોકે આજે પણ તેની એ લોકપ્રિયતા બરકરાર છે. તેના ચાહકો તેની ફિલ્મો અને તેના ગીતો આજે પણ સાંભળે છે અને આનંદ માણે છે.
- ઋષભ






