શ્રી મુંબઈ જૈન મહાસંઘ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારનો સમેત શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે નહીં વિક્સાવાય અને અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવાના નિર્ણયને એક અવાજે વધાવી લેવાની સાથે આભાર માન્યો હતો જો કે ગુજરાતનાં પાલીતાણાના ગિરિરાજને બચાવવા અને ત્યાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા લડત ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી. ખાસ કરીને ગેરકાયદે ખનન, શરાબની ભઠ્ઠી અને માંસની દુકાનો કાયમી બંધ થવી જોઈએ. આ માટે જરૂર પડ્યે રેલી પણ કાઢવામાં આવશે. આ અંગે તાજેતરમાં બોરીવલી ખાતે અંદાજે બે લાખથી વધુ જૈનોની રેલીનું સફળ આયોજન શ્રી મુંબઈ જૈન મહાસંઘના પશ્ચિમ વિભાગના કન્વિનર સ્નેહલ શાહ, અશોક કોરડિયા, ધવલ વોરા અને કુમારભાઈ દોશીના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. અહીંના સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા સ્નેહલ શાહ અને અન્યોએ કેન્દ્ર અને ગુજરાત સરકારને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આવેદનપત્ર આપ્યું હતું.
હિન્દુ અને જૈન વચ્ચે ફાટફુટ પડાવનારા સામે પણ પગલાં લેવાશે અને દાદાગીરી નહીં ચલાવાય. તેમ જ આવા તત્વો સામે કડક પગલાં લેવાની હિમાયત કરવામાં આવી હતી. દરમિયાન સ્નેહલ શાહે ઝારખંડ સરકારને વિનંતી કરી હતી કે ઑફિસ મેમોરેન્ડમને તાત્કાલિક નોટિફાઈડ કરે.
તાજેતરમાં મળેલી મહાસંઘની બેઠકમાં શ્રી મુંબઈ જૈન મહાસંઘ જે ૧૧૦૦ જૈન સંઘનું પ્રતિનિધિત્વ કરે છે તેમના હોદ્દેદારો નીતિન વોરા, સ્નેહલ શાહ અને અન્યો હાજર હતા.






