કન્યા (પ ઠ ણ)
આજે આપણે રાશિચક્રની છઠ્ઠી કન્યા રાશિનું વિશ્લેષણ જોઇશું. કન્યા રાશિમાં મુખ્યત્વે પ-ઠ-ણ એમ ત્રણ અક્ષરથી નામ શરૂ થાય છે. હાથમાં ઘઉંનો ગુચ્છ લઈને ઊભેલી સુંદર યુવતી કન્યા રાશિનું ચિન્હ છે.
કન્યા રાશિ લીલા રંગની સ્ત્રી તત્ત્વની રાશિ છે. તથા પૃથ્વી તત્ત્વની રાશિ છે. બુધ મહારાજ તેના સ્વામિ છે. કન્યા રાશિ સુંદરતા, મધુરતા, ફળદ્રુપતા, બુદ્ધિચાતુર્ય અને સર્જનાત્મક શક્તિનો નિર્દેશ કરે છે.
કન્યા રાશિના લોકો વધુ પડતી શારીરિક મહેનત નથી કરતા અને પોતાની બુદ્ધિ શક્તિ, સર્જન શક્તિ તથા કલા-કારીગરીથી પોતાનો વ્યવહાર ચલાવતા હોય છે.
જન્મપત્રિકાના ગ્રહો સારા હોય તો કન્યા રાશિના લોકો વેપારધંધામાં સારી પ્રગતિ કરતા હોય છે. આ લોકો કોઈ પણ પ્રકારનું બૌદ્ધિક કાર્ય, શિક્ષણ, કૉમ્પ્યુટર, કૉમ્યુનિકેશન્સ, માર્કેટિંગ, પોસ્ટ, રેલવે, બેન્ક, કમિશન એજન્સી, ઇન્શ્યોરન્સ, કુરિયર, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા વગેરે ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શકે છે.
કન્યા રાશિની વિશેષતા એ છે કે વધારે પરિશ્રમ કે રોકાણ કર્યા વિના પોતાની પ્રતિભા અને બુદ્ધિ ચાતુર્યથી તેઓ પૈસા કમાય છે.
કન્યા રાશિ શીતલ પ્રકૃતિવાળી દ્વિસ્વભાવ રાશિ છે. તથા આ રાશિના લોકો ઠંડા દિમાગથી અને શાંતિથી પોતાનું કાર્ય કરતા હોય છે. ક્યારેક આ લોકો સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી તેમ જ તેમના મનમાં દુવિધા રહેતી હોય છે.
કન્યા રાશિના લોકો શુદ્ધ વિચાર તથા સારી ભાવનાવાળા હોય છે. તેમના મધુર સ્વભાવને કારણે બીજા સાથે તેમની આત્મીયતા જલદી થઈ જતી હોય છે. આ રાશિના લોકોનું જીવન શાંત અને સરળ હોય છે. તેઓ અંતર્મુખી, અભ્યાસુ, સાવધ તથા પ્રમાણિક હોય છે. નાની નાની બાબતોનું પણ તેઓ બરોબર ધ્યાન રાખતા હોય છે.
કન્યા રાશિના લોકો નાજુક અને સંવેદનશીલ હોય છે. તથા તેમની તબિયત પણ નાજુક હોય છે. તેમના આરોગ્યનું તથા વિશેષ કરીને ગુપ્ત રોગોનું ધ્યાન રાખવું જરૂરી છે.
I am thinking something… હું કંઇક વિચારું છું, આ કન્યા રાશિનું સ્ટેટસ હોય છે. ક્યારેક ક્યારેક સ્વાર્થી અને ડબલ સ્ટાન્ડર્ડવાળા બની જતા હોય છે.
કન્યા રાશિના લોકો બુદ્ધિમાન, વિચક્ષણ તથા ગણતરીવાળા હોય છે. આ રાશિના લોકોને બીજી રાશિના લોકો સંપૂર્ણપણે ઓળખી કે જાણી શકતા નથી.
આ તો કન્યા રાશિના જનરલ ગુણધર્મો છે. સમગ્ર વિશ્વમાં કન્યા રાશિના લાખો લોકો છે. પરંતુ તેમનું ભવિષ્ય એક સમાન હોતું નથી. દરેકના પોતાના જે ગ્રહયોગો હોય તે પ્રમાણે તેમનું ભવિષ્ય ઘડાતું હોય છે.
